ચાંદીના છતર, રોકડ સહિત રૂા. 47 હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર
- લખતરના છારદમાં શક્તિ માતાજીના મંદિરમાંથી ચોરી
સુરેન્દ્રનગર : લખતર તાલુકાના છારદ ગામે આવેલા શક્તિ માતાજીના મંદિરમાં તસ્કરો રૂ.૪૭ હજારની મત્તા ઉઠાવી ફરાર થઇ ગયા હતા. જે અંગે સ્થાનીક રહિશે લખતર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
છારદ ગામે આવેલા શક્તિ માતાજીના મંદિરમાં ગત તા.૫ ફેબુ્રઆરીના રોજ તસ્કરોએ દાનપેટીમાં રહેલ રોકડ રૂા.૨,૦૦૦, માતાજીની મૂર્તિ ઉપરનું છતર અંદાજે ૩૦૦ ગ્રામ (કિં.રૂા.૨૫,૦૦૦), ચાંદીનો મુંગટ અંદાજે ૭૦થી ૭૫ ગ્રામ (કિં.રૂા.૬,૦૦૦) નાના-મોટા છતર અંદાજ ૧૫થી વધુ નંગ ૧૫૦ ગ્રામ (કિં.રૂા.૧૪,૦૦૦) મળી કુલ રૂા.૪૭,૦૦૦ તેમજ બાજુમાં રહેતા રમેશભાઈ કેસાભાઈ નૈત્રાનો મોબાઈલ કિંમત રૂા.૧૦,૦૦૦ મળી કુલ રૂા.૫૭,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી હતી. મંદિરને ક્યારેય તાળુ મારવામાં આવતું નથી ત્યારે ચોરીનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. બનાવ બાદ પુજારી સહિત ગ્રામજનોએ આસપાસ તપાસ કરી હતી પરંતુ ચોરાયેલી વસ્તુઓ મળી આવી નહોતી. આથી બનાવ બન્યાના થોડા દિવસો બાદ લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.