સુરતમાં રાંદેર ઝોનના જહાંગીરાબાદ વિસ્તારમાં 15000 ચો.ફુટ વિસ્તારમાંથી ઘાસ-વનસ્પતિ દૂર કરી પાલિકાએ કબજો લીધો
Surat Corporation : સુરત પાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પાલિકાની વિવિધ સુવિધાઓ માટે અનામત કરેલી જગ્યાનો કબજો લેવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૂપે આજે પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરાબાદ વિસ્તારમાં પાલિકાની અનામત રાખેલી જગ્યાનો કબજો લાંબા સમયથી આપવામાં આવતો ન હતો. જોકે, આજે પાલિકાના રાંદેર ઝોને લાંબા સમયથી કબજો મળતો ન હતો તે જમીન પર ઉગેલા ઘાસ અને વનસ્પતિ દૂર કરીને 15000 ચો.ફુટ જગ્યાનો કબજો લઈ લીધો છે.
સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ઉપરાંત અન્ય સુવિધા માટે કવાયત શરુ થઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી પાલિકા દ્વારા ટીપી સ્કીમ ફાઇનલ થયા બાદ અનામત રાખવામાં આવેલી જગ્યાનો કબજો લેવાની શરૂઆત કરી છે. છેલ્લા કેટલાક સમયમાં પાલિકાએ વિવિધ સુવિધા ઉભી કરવા માટે પાંચ લાખ ચો.મી. વિસ્તારની જગ્યાનો કબજો લઈ લીધો છે.
આ કામગીરીના ભાગરૂપે આજે પાલિકાના રાંદેર ઝોન દ્વારા પણ સબ સેન્ટરના હેતુ માટેના રિઝર્વેશનનો પ્લોટનો કબજો મેળવવાની કામગીરી હાથ ધરી હતી. મહાનગરપાલિકાનાં રાંદેર ઝોનમાં જહાંગીરપુરા વિસ્તારમાં ટી.પી.સ્કીમ નં.45(જહાંગીરપુરા- પિસાદ)ના ફા.પ્લોટ નં.114 કે જે સુરત મહાનગરપાલિકાના સબ સેન્ટર માટેના રિઝર્વેશનના હેતુ માટે ફાળવવામાં આવી હોય આ રિઝર્વેશન પ્લોટ પર ઘાસ તથા અન્ય વનસ્પતિ હતી તેને દૂર કરીને આશરે 15,000.00 ચો.ફૂટ જેટલો એરિયા ખુલ્લો કરી દેવાયો છે. આ જગ્યા ખુલ્લી થતાં હવે સબ સેન્ટરની કામગીરી હાથ ધરવામાં આવશે.