Get The App

સુરત પાલિકાના બજેટમાં સુચવેલા કામના પ્રોગ્રેસ રિપોર્ટ સાથે વિભાગ-અધિકારીઓને હાજર રહેવા સ્થાયી સમિતિની તાકીદ

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
સુરત પાલિકાના બજેટમાં સુચવેલા કામના પ્રોગ્રેસ રિપોર્ટ સાથે વિભાગ-અધિકારીઓને હાજર રહેવા સ્થાયી સમિતિની તાકીદ 1 - image


Surat Corporation : સુરત પાલિકાની સામાન્ય સભામાં મંજુર થયેલા વર્ષ 2024-25 ના બજેટમાં રજૂ કરેલા પ્રોજેક્ટ કાગળ પર નહી રહે અને તેની ઝડપી અમલવારી થાય તે માટે દર મહિને સ્થાયી સમિતિને પ્રોજેક્ટ રીપોર્ટ રજુ કરવા માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. હવે આગામી બજેટ માટે કવાયત થઈ રહી છે ત્યારે સ્થાયી સમિતિએ પાલિકાના વિવિધ વિભાગ અને વિભાગીય વડા પાસે બજેટમાં રજૂ કરેલા કામોના સ્ટેટસ સાથે રિપોર્ટ લઈ આગામી 24 ડિસેમ્બરે હાજર રહેવા માટે તાકીદ કરી છે. 

પાલિકાના બજેટમાં રજૂ થયેલા પ્રોજેક્ટની સ્થિતિ અંગે દર મહિનાની છેલ્લી સ્થાયી સમિતિની બેઠકમાં અહેવાલ રજુ કરવા માટે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે તાકીદ કરી હતી,. જોકે, શરૂઆતમાં અધિકારીઓ દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ કોઈ માહિતી રજુ કરવામા આવતી ન હતી. આ પ્રકારની ગંભીર બેદરકારી બહાર આવતાં સ્થાયી અધ્યક્ષ ગંભીર નોંધ લઈ સીટી ઈજનેરને બોલાવી જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવા માટે ચીમકી આપી હતી અને ત્યારબાદ સીટી ઈજનેરે નોંધ જાહેર કરી હતી. 

હવે આગામી દિવસોમાં રિવાઈઝ અને ડ્રાફ્ટ બજેટ જાહેર કરવા માટેની તૈયારી થઈ રહી છે ત્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષે એક નોંધ મૂકી છે તેમા જણાવ્યું છે કે, સ્થાયી સમિતિ દ્નારા સને 2024-25 ની બજેટ અંગેની મીટીંગમાં શહેરના વિકાસ અને શહેરીજનોની જરૂરીયાત અંગેની પ્રાથમિકતાના આધારે મહત્વના કામો સૂચવવામાં આવ્યા હતા. તે બાબતે હજુ સુધી મહત્વના કામો હજુ પણ પેન્ડીંગ છે અથવા પુર્ણ થયેલ નથી. તેવા કામોની યાદી સાથે અને કારણ સાથે હાજર રહેવા માટે તાકીદ કરી છે. 

આ ઉપરાંત 24 ડિસેમ્બરની ખાસ બેઠકમાં મહત્વના પ્રોજેક્ટ માટે વિભાગ દ્વારા ક્યા પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને કઈ કામગીરી બાકી છે તેની તમામ વિગતો સાથે હાજર રહેવા માટે તાકીદ કરી છે.


Google NewsGoogle News