સુરત શિક્ષણ સમિતિ ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓને અંગ્રેજીના પાઠ ભણાવાશે, આખા ગુજરાતમાં એક માત્ર શાળાની પસંદગી
Surat News : ગુજરાતી બાળકો તેમાં પણ સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકોનું અંગ્રેજી ઘણું જ કાચું હોય છે અને વાંચતા લખતા આવડતું નથી તેવું મહેણું હવે ભાંગવા જઈ રહ્યું છે. દેશના જુદા જુદા રાજ્યોમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અંગ્રેજીનું જ્ઞાન આપવા માટેનું કામ કરતી એન.જી.ઓ.એ આખા ગુજરાતની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવવા માટે સુરત શિક્ષણ સમિતિની શાળાની પસંદગી કરી છે. આજે આ દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ ટૂંકા ગાળામાં જ સમિતિ શાળાના ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓને અંગ્રેજીનું વિના મૂલ્યે શિક્ષણ આપશે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કેટલાક વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતમાં અગ્રેસર છે તો કેટલાક વિદ્યાર્થીઓનું ભણતર કાચું છે. આવા સમયે દેશના છત્તીસગઢ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાં પ્રાથમિક શાળાના પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓને અંગ્રેજીના પાઠ ભણાવનાર ગેપ અપ કોર્સ અંતર્ગત સ્ટેપ અપ ફૉર ઇન્ડિયા સાથ દો નામની સંસ્થાએ ગુજરાતમાં આ કામગીરી માટે સુરતની પસંદગી કરી છે. કંપની ફંડ પ્રોજેક્ટ હેઠળ સુરત પાલિકાના ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓને સ્પોકન ઇંગ્લીશ, ગ્રામર સહિતનું શિક્ષણ આપશે.
સુરત સમિતિના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપશે અને તેના માટેના ફંડ શોધવાની કામગીરી પણ એન.જી.ઓ. દ્વારા જ કરવામાં આવશે. આ અંગે આજે મળનારી સામાન્ય સભામાં દરખાસ્ત પર નિર્ણય કરાશે ત્યારબાદ ટૂંક સમયમાં સમિતિની શાળાના ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓને અંગ્રેજીનું શિક્ષણ આપવાનું શરુ કરવામાં આવશે.
6 હજારથી વધુ બાળકોને પહેલા તબક્કામાં અંગ્રેજીનું જ્ઞાન પીરસાશે, શિક્ષકોને પણ તાલીમ અપાશે
અન્ય રાજ્યમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે શિક્ષણ આપવાની કામગીરી કરતી એન.જી.ઓ.એ ગુજરાતમાં આ પ્રોજેક્ટ માટે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની પસંદગી કરી છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ધોરણ 3થી 5ના 6 હજાર વિદ્યાર્થીઓને પહેલા તબક્કામાં શિક્ષણ આપવામાં આવશે. તેની સાથે આ એન.જી.ઓ. ધોરણ 3થી 5માં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતાં શિક્ષકોને પણ તાલીમ આપશે. જો આ શિક્ષકોને યોગ્ય રીતે તાલીમ મળે તો સમિતિની શાળામાં વિદ્યાર્થીઓ પણ ભવિષ્યમાં કડકડાટ અંગ્રેજી બોલતાં જોવા મળશે.