શિક્ષણ સાથે તહેવારની ઉજવણી, સલામતી અને જીવનદાન પાઠ ભણાવતી સુરત પાલિકાની શાળા
Surat : સુરત મહાનગરપાલિકાની શાળાઓમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જોકે કેટલાક શિક્ષકો હોય નૈતિક જવાબદારી સ્વીકારી પાલિકાની શાળામાં આવતા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે પર્યાવરણની જાળવણી અને જીવ દયાના પાઠ પણ શીખવવામાં આવી રહ્યા છે. દરેક તહેવારની ઉજવણી સાથે સમાજને વિદ્યાર્થીઓ કઈ રીતે ઉપયોગી થઈ શકે તે માટે અનેક પ્રકારની તાલીમ આ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓએ ઉત્તરાયણની ઉજવણી સાથે પર્યાવરણની જાળવણી અને દાન પુણ્ય ઉપરાંત પોતે નિયમિત બનવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અડાજણ ખાતે આવેલી શાળા ક્રમાંક 89માં આચાર્ય અજીત પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ શિક્ષિકા પ્રિયા કટારીયાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. શ્રી યુવા ગ્રુપ દ્વારા વૃક્ષો તથા જમીન પર પડેલા પતંગના દોરા કે ગુચ્છામાં ઘાયલ તથા પક્ષીઓને બચાવવા તથા લોકોમાં જાગૃતિ આવે તે માટે પડેલા દોરાને ખરીદવાનું કામ કરે છે. જેના આધારે અડાજણ વિસ્તારમાં મહાદેવ નગર, રેવાનગર, ભગવાન પાર્ક વિશાલ નગર પાસે એસ.એમ.સી કવાટર્સ. વિદ્યાર્થીઓમાં ટીમ લીડર શુભમ ચૌહાણ, અમન ચૌહાણ, ભૂમિકા જાદવ સહિત અનેક વિદ્યાર્થીઓ જોડાયા હતા અને સાચા ચાર કિલોથી વધુ દોરા ભેગા કરીને સંખ્યાબંધ પક્ષીઓને ઘાયલ થતા બચાવ્યા હતા.
ઉતરાયણનો તહેવાર એટલે દાન નો તહેવાર પરંતુ તહેવારમાં જરૂરતમંદ હાથમાં દાન મળે તે માટે પાલિકા સંચાલિત વરાછાની ઈશ્વર પેટલીકર શાળાના આચાર્ય વૈશાલી સુતરીયા અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને એક મુઠ્ઠી અનાજનો પ્રયોગ કરવામા આવ્યો છે. શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ અન્ય જરૂરતમંદ લોકોને અનાજ મળી રહે તે માટે પ્રયાસ કર્યો હતો. આ પ્રયોગમાં શાળામાંથી 200 કિલોથી વધુ અનાજ ભેગુ કરવામાં આવ્યું હતું. હવે આ અનાજ વનવાસીઓને વિતરણ કરવામાં આવશે.
જ્યારે પાલિકાની 272 ની મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં ઉતરાયણમાં વિદ્યાર્થીઓમાં પરિવાર ભાવના ખીલે, તે હેતુથી પોતાના મિત્ર માટે ઘરેથી તલની ચીકી અથવા લાડુ પોતાની સાથે લાવ્યા હતા તથા વર્ગની અંદર આ તમામ લાડુ તથા ચીકી ભેગી કરી, એકબીજા સાથે તેની આપ-લે કરી હતી. આ ઉપરાંત સમરસતા સાથે પરિવાર ભાવના તથા મિત્રભાવ ખીલે તેનો મુખ્ય આશય હતો. તેની સાથે વિદ્યાર્થીઓ પોતાના શર્ટ ઉપર એક નાનકડો પતંગ પ્રતિક સ્વરૂપે લગાવી આવ્યા હતા. આ પતંગ ઉપર પોતાના જીવનમાં એક આદર્શ ગુણ ખીલે તે માટે પોતાનો સંકલ્પ નાનકડા પતંગ ઉપર લખીને લાવ્યા હતા. આ સંકલ્પમાં હું આદર્શ વિદ્યાર્થી બનીશ, હું શાળામાં સ્વચ્છતા જાળવીશ, હું માતા-પિતાની આજ્ઞાનું પાલન કરીશ, હું નિયમિત શાળાએ આવીશ વગેરે પૈકી એક સંકલ્પને ચરિતાર્થ કરવા આખું વર્ષ વિદ્યાર્થીઓ દ્વારા પ્રમાણિકપણે મહેનત કરવાનો પ્રયત્ન કરશે તેવા સંકલ્પ લેવામાં આવ્યા હતા.