ચાંણોદ પો.સ્ટે.ના ચોપડે પ્રથમ વખત જંગી માત્રાનો દારૃ નોંધાયો દમણથી દારૃ ભરી વડોદરા તરફ જતા ટેમ્પા સાથે એકની ધરપકડ
સાબરમતી જેલમાં વાપીના સુરેશ પટેલ સાથે સંપર્ક બાદ દારૃની હેરાફેરી શરૃ કરી ઃ રૃા.૩૯.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ચાંણોદ તા.૨૫ ચાંણોદ પોલીસ સ્ટેશનની તા.૧૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ શરૃઆત બાદ પ્રથમ વખત મોટી માત્રામાં દારૃનો જથ્થો સ્ટેટ વિજિલન્સે ઝડપી પાડયો છે. દમણ તરફથી આવતા એક ટેમ્પોમાંથી રૃા.૨૫.૮૩ લાખની કિંમતના દારૃના જથ્થા સાથે કુલ રૃા.૩૪.૨૭ લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ કથ્થઇ રંગના આઇસર ટેમ્પોમાં દારૃનો જથ્થો ભરીને આ ટેમ્પો દમણથી મહારાષ્ટ્ર થઇ ડભોઇ તરફ જનાર છે તેવી બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સ દ્વારા ડભોઇ જતા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન તિલકવાડાથી ડભોઇ જતા રોડ પર સોમપુરા ગામ પાસેથી પસાર થતાં એક ટેમ્પાને રોકી તપાસ હાથ ધરી હતી.
ટેમ્પામાંથી બીયર તેમજ દારૃની બોટલો મળી કુલ રૃા.૨૫.૮૩ લાખનો મુદ્દામાલ મળ્યો હતો. પોલીસે દારૃનો જથ્થો, ટેમ્પો, રોકડ અને એક મોબાઇલ મળી કુલ રૃા.૩૯.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવર અજીતકુમારસિંગ રજપુત (રહે.અંજનીધારા રેસિડેન્સ, સારંગપુરા, તા.અંકલેશ્વર, મૂળ ઉત્તર પ્રદેશ)ની ધરપકડ કરી હતી. આ અંગે સ્ટેટ વિજિલન્સે ચાણોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે વર્ષ-૨૦૨૪ સપ્ટેમ્બરમાં સાબરમતી જેલમાં પ્રોહિબિશન ગુનામાં પાસા હેઠળ હતો ત્યારે વાપીમાં રહેતા સુરેશભાઇ પટેલનો સંપર્ક થયો હતો. જેલમાંથી છૂટયા બાદ દારૃની ગાડી પર ડ્રાઇવિંગ કરવા સુરેશ પટેલે જણાવ્યું હતું અને હું તેઓની ગાડીમાં દારૃ સપ્લાયનું કામ કરતો હતો.