Get The App

સુરતમાં મેયરે સામાન્ય સભામાં પૂર્વ વડાપ્રધાનના શોક દરખાસ્ત ડાયસ પર બેસી વાંચતા વિપક્ષનો વિરોધ

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
સુરતમાં મેયરે સામાન્ય સભામાં પૂર્વ વડાપ્રધાનના શોક દરખાસ્ત ડાયસ પર બેસી વાંચતા વિપક્ષનો વિરોધ 1 - image


Surat Corporation : સુરત મહાનગરપાલિકામા આજની સામાન્ય સભા પૂર્વ વડાપ્રધાનના અવસાનને કારણે શોક દર્શક ઠરાવ બાદ મુલતવી રાખવાનું નક્કી હતું. પરંતુ માત્ર પાંચથી દસ મિનિટ સુધી ચાલેલી સભા પણ વિવાદી બની હતી. આજની સભામાં પૂર્વ વડાપ્રધાનના શોક દરખાસ્ત ડાયસ પર બેસી વાંચતા વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સભા બાદ વિપક્ષે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, વિપક્ષને શોક પ્રસ્તાવ પર બોલવાની તક નથી આપી. આ ઉપરાંત મેયરના શોકસભા પ્રસ્તાવના ભાષણ વખતે સભામાં લગ્નની કંકોત્રી વહેંચાતી હતી જેના કારણે શાસકોએ મૃતકનો પણ મલાજો ન પાળ્યો નથી તેવો આક્ષેપ કર્યો હતો. 

આજે સુરત પાલિકાની સામાન્ય સભા મળી હતી પરંતુ 26 ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું હતું તેનો શોકદર્શક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. મેયર દ્વારા શોક સભા પ્રસ્તાવ ઉભા થઈને વાંચવાને બદલે ડાયસ પરથી બેઠા-બેઠા જ સંભળાવતાં વિરોધ પક્ષ દ્વારા આ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. આ સંદર્ભે વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મેયર વધુ એક વખત વિવેક ચુક્યા છે અને લોકશાહીને કાળી ટીલી લગાડવાનું કામ મેયર દ્વારા કરવામાં આવ્યું છે. તેવા પ્રકારના આક્ષેપ વિપક્ષે કર્યો છે. 

વિપક્ષી નેતાએ કહ્યું હતું કે, મેયર વિવેક ચૂક્યા છે અને આજરોજ મળેલ સભા સમક્ષ દિવંગત ડો.મનમોહન સિંહના 92 વર્ષની વયે થયેલ દુઃખદ નિધન પર ઉંડો શોક વ્યક્ત કરવા રજુ કરેલ દરખાસ્તને સભામાં રજુ કરવાની તક ન આપવા તેમજ સભ્યો ને શ્રદ્ધાંજલિ પાઠવવાની તક પણ પુરી ન પાડીને સભાના અધ્યક્ષ તરીકે મેયરે સભાની ગરીમા લજવી છે. વિપક્ષે વધુમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે, મેયરના શોકસભા પ્રસ્તાવના ભાષણ વખતે સભામાં લગ્નની કંકોત્રી વહેંચાતી હતી જેના કારણે મૃતકનો પણ મલાજો પાળ્યો નથી તે દુખની વાત છે.


Google NewsGoogle News