સુરતના હદ વિસ્તરણ બાદ અબ્રામા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટે માટે 7977 ચો.મી. સરકારી જમીનનો કબ્જો પાલિકાને મળ્યો
Surat Corporation : સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારમાં પાણી- ડ્રેનેજ અને રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા માટે જગ્યા મેળવવી પાલિકા માટે મોટો પ્રશ્ન હતો. જોકે, નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટે જગ્યા અંગેની માંગણી પાલિકાના વિવિધ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. પાલિકાના વિવિધ વિભાગની માંગણીને સંકલન કરીને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કલેક્ટર પાસે જગ્યાની માંગણી કરવામાં આવી હતી. હાલમાં કલેક્ટર દ્વારા ડ્રેનેજ અને પાણીની સુવિધા માટે 7977 ચો.મી સરકારની જગ્યાની માંગણી કરી છે તેની બજાર કિંમત આશરે 20 કરોડની થાય છે.
સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ નવા વિસ્તાર એવા અબ્રામા વિસ્તારમાં પાણી પુરવઠા અને ડ્રેનેજ માટેની કામગીરી હાથ ધરવા માટે જગ્યાની જરૂર હતી. પાલિકાના ડ્રેનેજ અને હાઇડ્રોલિક વિભાગ દ્વારા આ કામગીરી માટે મોજે : અબ્રામા, બ્લોક નં. 1 અને 4 પૈકીની નામ સરકારની માલિકીની ક્ષે.7977 ચો.મી. જમીન સુરત મહાનગર પાલિકાને ફાળવવા સુરત મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ વિભાગને કરી હતી ટાઉન પ્લાનિંગ વિભાગે કલેક્ટર સાથે સંકલન કરી વારંવાર બેઠક થઈ હતી અને તેના કારણે કલેક્ટર દ્વારા 28 નવેમ્બરના રોજ આ જગ્યાનો કબ્જો સુરત પાલિકાને સુપ્રત કર્યો છે જેની બજાર કિંમત આશરે 20 કરોડની થાય છે. આ જગ્યા મળતાં હવે આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટેનો રસ્તો ખુલ્લો થયો છે.
આ જગ્યા મળતાં હદ વિસ્તરણ બાદના નવા વિસ્તારમાં આવેલા સેગવા-સ્યાદલા, વસવારી, ગોથાણ, ઉમરા, ભરથાણા-કોસાડ, અબ્રામા, વેલંજા અને કઠોર ગામોમાં પાણી પુરવઠો પુરો પાડવાની યોજના માટે 40 લાખ લીટર ક્ષમતાની આર.સી.સી. અંડરગ્રાઉન્ડ ટાંકી અને 21 લાખ લીટર ક્ષમતાની આર.સી.સી. ઓવરહેડ ટાંકી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીથી અબ્રામા અને તેની આજુબાજુના વિસ્તારમાં પાણી પુરવઠો સપ્લાય કરવામાં આવશે.
આ ઉપરાંત આ જગ્યા મળી છે તેમાં ડ્રેનેજની કામગીરીના ભાગરૂપે 140 લાખ લિટર પ્રતિ દિન ક્ષમતાનું સુએઝ પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવશે. જેનાથી અબ્રામા વિસ્તારમાં 275 હેકટરના વિસ્તારમાં ભવિષ્યમાં અંદાજે 96,250 જેટલી વસ્તીને ડ્રેનેજની સુવિધા પૂરી પાડવામાં આવશે જેના કારણે મલિન જળના નિકાલ માટે સુઆયોજિત માળખાકીય સુવિધા ઉભી થશે.