SMCએ ફાયરિંગ કરી પકડેલા 22 લાખના દારૃના સૂત્રધારને પકડવા દરોડા
વડોદરાઃ વડોદરામાં થર્ટી ફસ્ટે પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલે ફાયરિંગ કરી રૃ.૨૨લાખના દારૃ સહિત રૃ.૬૨ લાખની મત્તા પકડવાના કેસના સૂત્રધાર ઝુબેર મેમણને શોધવા ડીસીપી પન્ના મોમાયાના સ્કવોડ અને કારેલીબાગ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે.
દરજીપુરા પાસે તા.૨૮મીએ રાતે દારૃનું કટિંગ ચાલતું હતું ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડતાં બુટલેગર અને ખેપિયાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.જેથી પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરી ને ત્રણ જણાને ઝડપી પાડી દારૃનો જથ્થો,કન્ટેનર અને અન્ય મત્તા કબજે લઇ ગુનો નોંધ્યો હતો.જેની તપાસ કારેલીબાગના પીઆઇ હરિત વ્યાસને સોંપવામાં આવી છે.
ડીસીપી પન્ના મોમાયાએ જુદીજુદી ટીમો મારફતે કારમાં ફરાર થઇ ગયેલા સૂત્રધાર ઝુબેર મેમણ(વાડી મોગલવાડા)ને શોધવા કાર્યવાહી કરી છે.પોલીસે કહ્યું છે કે, માથાભારે ઝુબેર સામે વડોદરા શહેર-જિલ્લા અને અન્ય શહેરોમાં કુલ ૨૧ જેટલા ગુના નોંધાયા છે.
SMCએ પોલીસ કંટ્રોલરૃમ પાસે મદદ માંગી ત્યારે ફાયરિંગની જાણ કરી નહતી
ફાયરિંગ કન્ટેનર પર કરાયું હતું અને કંટ્રોલરૃમ અજાણ હતું
હરણીમાં દારૃ પકડાયો ત્યારે ફાયરિંગના બનેલા બનાવમાં સ્ટેટ મોનિટરિંગ સેલે કંટ્રોલ રૃમ પાસે મદદ માંગી ત્યારે ફાયરિંગની જાણ કરી નહતી.
દરજીપુરા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડયો ત્યારે ૧૨-૧૫ જેટલા લોકો હતા અને બે કાર લઇ કેટલાક લોકો ફરાર થઇ ગયા હતા.જ્યારે કેટલાક ઝાડીમાંથી ફરાર થયા હતા.
બનાવમાં કન્ટેનર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને પોલીસ કંટ્રોલરૃમ પાસે દારૃનો કેસ કર્યો હોવાની જાણ કરી મદદ માંગી હતી.પરંતુ ફાયરિંગની જાણ નહિ કરતાં કંટ્રોલરૃમનો સ્ટાફ ફાયરિંગની ઘટનાથી અજાણ હતો.