સુરત શહેરમાં ખાડી પૂરનો ખતરો, પાલિકાની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની સાંભળી આપવીતી
Heavy Rain in Surat : ગત રવિવારથી શરૂ થયેલો વરસાદ હજુ પણ સુરતને ધમરોળી રહ્યો છે જોકે, બુધવારે સુરતમાં વરસાદનું જોર ઓછું થયું છે પરંતુ શહેરમાંથી પસાર થતી ખાડીઓ હજી પણ છલોછલ છે. શહેરમાં ખાડી પૂરનો ખતરો હજુ પણ તોળાઈ રહ્યો છે ત્યારે આજે મ્યુનિ. કમિશ્નર, આરોગ્ય વિભાગ તથા ટેક્નિકલ વિભાગની ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને પાણી ભરાવાના કારણે સ્થળાંતર કરાયેલા અસરગ્રસ્તને મળીને તેમની આપવીતી જાણી હતી.
સુરત શહેર સાથે જિલ્લામાં રવિવારે સાંજના દેમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સુરતમાંથી પસાર થતી ખાડી બંને કાંઠે વહેતી થઈ છે. ગઈકાલે શહેરની સીમાડા અને ભેદવાડ ખાડી બંને કાંઠે વહેતી થતાં શહેરના ખાડી કિનારાનાં અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. આ ઉપરાંત મીઠી ખાડી કિનારે વસેલા વિસ્તારમાં પણ ખાડીનું પાણી ઘુસી ગયા હતા. ઘરોમાં ગંદા પાણી ઘુસી ગયા છે તેના કારણે લોકોની હાલત કફોડી બની રહી છે.
સુરત પાલિકાના આઈસીસી ખાતે બનાવેલા કંટ્રોલરૂમ પરથી પાલિકા કમિશ્નર સહિતના અધિકારીઓ નજર રાખતા હતા. આઈસીસીસી પરથી રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ થઈ રહ્યું છે. દરમિયાન આજે વહેલી સવારથી જ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને અન્ય અધિકારીઓ ખાડી કિનારા વિસ્તારની મુલાકાતે જઈને ખાડીની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત ત્યાં પાણીનો ભરાવો થયો છે તે વિસ્તારની મુલાકાત લીધી હતી.
આ ઉપરાંત જ્યાં પાણીનો ભરાવો થયો છે તેમાંથી કેટલાક લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યા છે તે રાહત કેમ્પની મુલાકાત લીધી હતી અને સ્થળાંતર કરાયેલા લોકોની મુલાકાત લઈને તેમની સ્થિતિની માહિતી મેળવી હતી. મ્યુનિ.કમિશ્નરે ખાડીના પાણી ઉલેચવાની કામગીરી કરવા સાથે સાથે પાણી ઓસરે ત્યારે સફાઈની કામગીરી કરીને દવાનો છંટકાવ કરવા માટેની સૂચના આપી છે. આ ઉપરાંત જ્યાં લોકોને સ્થળાંતર કર્યા છે ત્યાં તેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે માટેની તાકીદ કરી હતી.
આ પણ વાંચો : સુરતીઓ માટે આફત બન્યો વરસાદ, બે ખાડી ઓવરફ્લો થતાં રોડ પર પાણી ફરી વળ્યા