સ્માર્ટ મીટરના વિરોધ સાથે ફતેગંજના સ્થાનિક લોકોનો ફરી હોબાળો:સંઘર્ષ સમિતિની રચના
સ્માર્ટ વીજ મીટરનો વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે ફતેગંજ વિસ્તારના રહીશો સ્થાનિક વીજ નિગમની કચેરીએ પહોંચી ગયા હતા. જ્યાં વીજ નિગમ વિરુદ્ધ હાય.. હાયના ભારે સૂત્રોચાર સાથે જુના કોમ્પ્યુટરાઈઝ્ડ વીજ મીટર પુન: લગાવી આપવા માંગ કરી હતી. અન્યથા અગાઉની જેમ બે માસનું બિલ આપવા રજૂઆત કરી હતી.
સ્થાનિક રહીશોએ વીજ નિગમ કચેરી સામે ત્રાહિમામ ગરમીમાં બેસીને ભારે સૂત્રોચાર શરૂ કર્યા હતા.
વીજ નિગમ કચેરી દ્વારા વીજ ગ્રાહકોના જૂના કોમ્પ્યુટરાઈઝ્ડ વીજ મીટર કાઢી લઈને સ્માર્ટ વીજ મીટર લગાવવાનું શરૂ કર્યું છે. આ માટે સ્થાનિક ગ્રાહક પાસેથી યેનકેન જૂનું રનીંગ બિલ લેવામાં આવે છે અને નહીં આપનારને દંડ સહિત ધરપકડની પણ ધમકી આપવામાં આવે છે.
રાજ્યભરના વિવિધ શહેરોમાં આવા સ્માર્ટ વીજ મીટર લગાવવાનું વીજ નિગમ દ્વારા શરૂ કરાયું છે. આવા સ્માર્ટ વિજ મીટરમાં વીજ બિલ ત્રણ ગણું આવતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક વીજ મીટર ધારકો દ્વારા વિરોધ શરૂ થયો છે.
પરિણામે આવા વિરોધ વચ્ચે ફતેગંજના સ્થાનિક રહીશોએ સંઘર્ષ સમિતિની રચના કરી તેના નેજા હેઠળ એકત્ર થયા હતા. વીજ નિગમ કચેરીએ સ્માર્ટ મીટરના વિરોધ સાથે તમામ લોકો પહોંચી ગયા હતા. જ્યાં વીજ નિગમ કચેરીએ જુના કોમ્પ્યુટર જુના વીજ મીટર પાછા લગાવી આપવા સહિત વીજ નિગમ સામે હાય..હાયના સૂત્રો પોકાર્યા હતા. અને જ્યાં સુધી આ બાબતે કોઈ ચોક્કસ નિર્ણય ન આવે ત્યાં સુધી પરત નહીં જવા તમામે મક્કમતા દાખવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વીજ નિગમ દ્વારા રાજ્યના અનેક શહેરોમાં આવા સ્માર્ટ વીજ મીટર લગાવાયા છે પરંતુ વીજ બીલ ત્રણ ગણું આવતું હોવાના આક્ષેપ સાથે વિરોધ વિવિધ શહેરોમાંથી પણ શરૂ થયો છે.