ડાયમંડના મેન્યુફેક્ચરિંગના નાનાં એકમો નવરાત્રિથી બંધ થવાની શક્યતા
-2-5 ઘંટીઓ ધરાવતાં નાનાં એકમો અત્યારથી જ બંધ થવાનું શરૃ, કામ ઓછું થતા વહેલું દિવાળી વેકેશન
સુરત
ડાયમંડ મેન્યુફેક્ચરિંગ એકમોની હાલત દિવસે દિવસે વધુ કફોડી બની રહી છે. ઉત્પાદકો અત્યારે જેમતેમ ગાડું ગબડાવી રહ્યાં છે. દિવાળી સુધી એકમો ચલાવવાનો ઇરાદો છે. જોકે 2-5 ઘંટીઓ ધરાવતાં નાનાં એકમો અત્યારથી જ બંધ થવાનું શરૃ થઈ ગયું છે. નવરાત્રી સુધીમાં ઘણાં એકમો બંધ થવાની આશંકા છે.
હાલની પરિસ્થિતિ વર્ષ 2008 કરતાં વધુ ખરાબ હોવાનો ગણગણાટ પણ કારીગર વર્ગમાં છે. દિવાળી પછી શું થશે એની ચિંતા અગાઉ સૌ કરતાં હતાં. પણ અત્યારે નવરાત્રી અને દશેરો કેવો જશે તેની ચિંતા થવા માંડી છે. ડાયમંડ મેન્યુફેક્ચરિંગ એકમોમાં નેચરલ રફ પરનું કામ બિલકુલ ઓછું થઈ ગયું છે અથવા તો બંધ થઈ ગયું છે. તેની સામે કારીગરોને સીવીડી આપવામાં આવી રહી છે.
કામ ઓછું થયું હોવાને કારણે કારીગરોની રોજગારી ઉપર પણ તેની અસર આવી છે. અત્યારથી ઘણાં કારીગરોએ અન્યત્ર જોબ શોધવાનું પણ શરૃ કરી દીધું છે. દિવાળી પછી શું થશે ? એની ચિંતા તો છે જ. એકમો વહેલાં શરૃ નહીં થાય એવો દરેકને ડર સતાવી રહ્યો છે. દિવાળી વેકેશન સામાન્ય રીતે 20-22 દિવસનું હોય છે. પણ ઓછી ઘંટીના નાનાં એકમો બંધ થવાનું શરૃ થઈ ગયું છે, એમ સૂત્રોએ વાતચીતમાં જણાવ્યું હતું.