નાનાં-મોટાં કામ કરનારાઓ નરસૈયાને જાણે તો જ સામાજિક ન્યાયને સમજી શકે

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
નાનાં-મોટાં કામ કરનારાઓ નરસૈયાને જાણે તો જ સામાજિક ન્યાયને સમજી શકે 1 - image


જૂનાગઢની ભૂમિ પર નરસિંહ મહેતાનું સ્મરણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી : દિવ્યકાંત નાણાવટીની કર્મઠતા વિશે રૂપાયતનમાં કહ્યું, 'કરેલાં કામ એ એવો ટમટમતો દીવડો છે, જેમાં દીવેલ પૂરાતું જ રહે છે'

જૂનાગઢ, : જૂનાગઢમાં રૂપાયતન સંસ્થા ખાતે આયોજિત દિવ્યકાંત નાણાવટી શતાબ્દી વર્ષ પર્વ અને ગ્રંથ લોકાર્પણ પર્વ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે પૂર્વ કેબિનેટ મંત્રી દિવ્યકાંત નાણાવટીનાં કાર્યોને યાદ કરી જણાવ્યું હતું કે 'કરેલાં કામ એ એવો ટમટમતો દીવડો છે, જેમાં કોઈને કોઈ તેલ પૂરતું રહે છે.' આ તકે ભક્ત કવિ નરસિંહ મહેતાનું સ્મરણ કરી તેમણે કહ્યું કે 'આજે નાનાં- મોટાં કામો કરીને સામાજિક ન્યાયની વાતો કરતા રહેતા લોકોને હું કહીશ કે એક વાર નરસિંહને જાણો તો ખબર પડે કે સામાજિક ન્યાય કોને કહેવાય.'

બે વખત જૂનાગઢનાં ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રહી ચૂકેલા દિવ્યકાંત નાણાવટીના શતાબ્દી વર્ષ પર્વ અને ગ્રંથ લોકાર્પણ પ્રસંગે રૂપાયતન ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણે નરસિંહ મહેતાનું પદગાન કર્યું હતું. ત્યારબાદ દીપપ્રાગટય કરવામાં આવ્યું હતું. 'દિવ્યકાંત નાણાવટી ભુલાય એ પહેલાં' ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નિરૂપમભાઈ નાણાવટીએ સ્મૃતિવંદના કરી હતી.

આ પ્રસંગે અમિતભાઇ શાહે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, મરણ અને સ્મરણમાં અડધા 'સ'નો જ ફરક છે. કામ એ એવો ટમતમતો દીવો છે, જેમાં કોઈને કોઈ દિવેલ અને વાટ પૂરતું રહે છે. દિવ્યકાંતભાઈ નાણાવટીએ એ સમયમાં જે કામ કર્યા છે એને આજે યાદ કરી રહ્યા છીએ. આથી કાર્યક્રમના શીર્ષકમાં જે દિવ્યકાંતભાઈ ભુલાય તે પહેલાં લખવામાં આવ્યું છે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી. તે સમયે જૂનાગઢ નગરપાલિકાનું શુ બજેટ અને શું વાત, છતાં તેઓએ જૂનાગઢનાં વિકાસના કામો કર્યા હતા.

'આજના સમયમાં કલા- સંગીત- સામાજિય ન્યાયક્ષેત્રે થોડું અમથું કામ કરીને પદ્દમશ્રી માટે પાછળ પડેલા લોકો મેં જોયા છે' એવી ટકોર સાથે તેમણે ઉમેર્યું કે 'નરસિંહ મહેતાએ તેમનું આખું જીવન સાહિત્યને સમર્પિત કરી દીધું હતું, તેમણે વેદો અને ઉપનિષદનું જ્ઞાાન, રહસ્ય સરળ ભાષામાં દુનિયા સમક્ષ મૂકી દીધું હતું. અસ્પૃશ્યતા વિરુધ્ધ કામ કરવાની હિંમત એ યુગમાં કેવળ નરસૈયો જ કરી શકે. પત્નીનું અવસાન થતાં 'ભલું થયું ભાંગી જંજાળ સુખેથી ભજશું શ્રી ગોપાલ' કહેવાનો નિસ્પૃહી ભાવ સંત સિવાય કોઈ સંસારીમાં ન જ હોઈ શકે.'

કોંગ્રેસેનો કેસ કર્યો તે મારા માટે કપરો કાળ હતો: અમિત શાહ 'પાંચ મિનિટ પહેલાં હું જેલનો મંત્રી હતો, પાંચ મિનિટ પછી જેલનો કેદી!' કેન્દ્રીય ગૃહમંત્રીએ હળવાશમાં ભૂતકાળ યાદ કર્યો: ''જમીન પર ઉતરવાનું આવું 'સૌભાગ્ય' ભાગ્યે જ કોઈને મળ્યું હશે''

જૂનાગઢ ખાતે આજે જાહેર કાર્યક્રમના મંચ પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના કપરા કાળને યાદ કરતા હળવી શૈલીમાં કહ્યું હતું કે 'પાંચ મિનિટ પહેલાં હું જેલનો મંત્રી હતો અને તેની પાંચ મિનિટ પછી જેલનો કેદી હતો. આવું સદભાગ્ય ઈશ્વર કોઈકને જ આપે છે.'

પ્રવચનની અધવચ્ચે અચાનક તેમણે ભૂતકાળમાં ડોકિયું કરીને કહ્યું કે, 'જ્યારે હું ગૃહમંત્રી હતો ત્યારે કોંગ્રેસની સરકારે સીબીઆઈ મારફત કેસ કરાવી મને જેલમાં મોકલ્યો હતો. હું ગૃહમંત્રી હતો તેની પાંચ મિનીટ પછી હું જેલનો કદી હતો. જમીન પર આવવાનું આવું સદભાગ્ય કોઈકને જ મળે છે, જે મને મળ્યું છે. સ્વાભાવિક રીતે જ મારા માટે એ કપરો કાળ હતો. હું જેલમાં હતો ત્યારે વકીલને રાખવા વાતચીત ચાલી રહી હતી. ત્યારે કોંગ્રેસનું બેકગ્રાઉન્ડ ધરાવતા ત નિરૂપમભાઈ નાણાવટીને વાત કરી. તેમણે કેસ લીધો, સુપ્રિમ કોર્ટ સુધી લડીને જીતવામાં મદદ પણ કરી અને પ્રોફેશનાલિઝમનું ઉદાહરણ પુરૂ પાડયું હતું.' 


Google NewsGoogle News