સ્લોટર હાઉસનો વિવાદ : સ્થાયી સમિતિના સભ્યો અભ્યાસ કરવા કંપનીની મુલાકાત લેશે : ગાજરાવાડીના લોકોએ હજુ દુર્ગંધ વેઠવી પડશે
Vadodara Corporation : ગાજરાવાડી હાથીયાખાડ સ્લોટર હાઉસ ખાતે Whole Animal Shredder ના અપગ્રેડેશન, ઈન્સ્ટોલેશન તથા Biodigester (CBG) ના 0&M માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં કંપનીની મુલાકાત લેવાના બહાને મુલતવી રાખવામાં આવતા હજી પણ સ્થાયી સમિતિના સભ્યો કંપનીની મુલાકાતે જશે નહીં અને કામ મંજૂર થશે નહીં ત્યાં સુધી લોકોને દુર્ગંધ વેઠવાનો વારો આવ્યો છે જેથી વિવાદ સર્જાયો છે.
ગાજરાવાડી સ્લોટર હાઉસ અંગે કોંગ્રેસના નેતા ચંદ્રકાંત ભથ્થું વર્ષોથી લડત આપી રહ્યા છે ત્યારે હવે લોકોને દુર્ગંધથી છુટકારો મળે તે માટે સ્થાયી સમિતિમાં છેલ્લા બે મહિનાથી અવારનવાર રજૂ થતી દરખાસ્ત મુલતવી રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે.
આ અંગે જાણવા મળતી માહિતી પ્રમાણે સ્લોટર હાઉસ ખાતે પ્રતિ દિન-15 મોટા પશુનો નિકાલ કરવાના થાય છે. ઘણી વખત મોટા પ્રમાણમાં મરેલા ઢોરની આવક થતા પુરતો નિકાલ ન થતા ઢોર ખુલ્લામાં પડી રહે છે આ કારણોસર રોજ દુર્ગંધ આવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતા આજુબાજુ રહેતા પ્રજાજનો દ્વારા આ અંગે ફરિયાદો કરવામાં આવે છે. આ કારણોસર હાલના પ્લાન્ટની કેપેસીટી વધારવાની જરૂરિયાત છે.
ગાજરાવાડી હાથીયાખાડ ખાતે મૃત જાનવરોના નિકાલ અર્થે મહાનગરપાલિકા દ્વારા Whole Animal Shredder પ્લાન્ટ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. આ પ્લાન્ટની કેપેસીટી હાલમાં 5000 કી.ગ્રામ. પ્રતિ દિવસ છે. આ પ્લાન્ટ દ્વારા પ્રતિ દિન-15 મોટા પશુનો નિકાલ કરવામાં આવે છે. આ પ્લાન્ટ સને 2020ના વર્ષમાં કાર્યરત કરવામાં આવ્યો છે.
હાલમાં વડોદરા શહેરની હદ વિસ્તારમાં વધારો થતા ઘણા નવા ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. આથી તે વિસ્તારમાં તેમજ શહેરમાં મરણ પામતા ઢોરની સંખ્યા વધી છે. ઘણી વખત પશુઓમાં કોઈ પ્રકારનો રોગચાળો ફેલાતા ઢોરોની મૃત્યુ પામવાની સંખ્યામાં પણ વધારો થાય છે. તે સમયે હાથીયાખાડ ખાતે મોટા પ્રમાણમાં મરેલા ઢોરની આવક થાય છે અને પુરતો નિકાલ ન થતા ત્યાં ખુલ્લામાં પડી રહે છે અને તેનો નિકાલ ધીરે ધીરે થાય છે. આ કારણોસર ઘણી વખત
દુર્ગંધ આવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતા આજુબાજુ રહેતા પ્રજાજનો તેમજ ચુંટાયેલી પાંખના સભાસદો દ્વારા આ અંગે ફરિયાદો કરવામાં આવે છે. આ કારણોસર હાલના પ્લાન્ટની કેપેસીટી વધારવાની જરૂરિયાત છે. આનાથી મૃત પશુ બહાર નહિ પડી રહે, દુર્ગંધ આવવાનો પ્રશ્ન ઉપસ્થિત નહિ થાય અને પર્યાવરણમાં સુધારો થશે. ગાજરાવાડી સ્થિત હાથીયાખાડ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવેલ Whole Animal Shredder પ્લાન્ટના વિસ્તૃતિકરણ કરવાના કામ બાબતે ગુજરાત સરકાર સ્થાપિત એજન્સી ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઈઝેશન લી.ગુજરાત સરકારની આ પ્રકારનાં કામના અનુભવી સ્થાપિત સંસ્થા હોઈ, તેઓની નિયુક્તિ કરવામાં આવેલ છે. આ પ્લાન્ટના વિસ્તૃતિકરણ પાછળ રૂ.14.62 લાખનો ખર્ચ થશે. આ કામની કરવા અંગેની હાલ અગત્યતા હોઈ કામનો ઈજારો 10 વર્ષ સુધી સહિતનો છે તેમજ ઓપરેશન મેન્ટેનન્સનો છે. પરંતુ કોઈપણ પ્રકારનું ચુકવણું કરવામાં આવશે નહીં, ફક્ત વીજબીલ આપી સરભર કરવામાં આવશે.