ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં 'સ્કિન બેંક' શરૂ, હવે ચામડી પણ ડૉનેટ કરી શકાશે
6.25 કરોડનું સિટી સ્કેન મશીન તેમજ દર્દી સુવિધા કેન્દ્ર અને પેશન્ટ ગોલ્ફ કાર્ટ શરૂ કરાયા
Gujarat Skin Bank News | એશિયા અને ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે હવે અન્ય અંગોના દાન સાથે સ્કિન પણ ડોનેટ કરી શકાશે. અંતે વર્ષો બાદ સિવિલ હોસ્પિટલમાં સ્કિન બેંક પણ શરૂ કરી દેવામા આવી છે. આજે આરોગ્ય મંત્રી દ્વારા સિવિલ હોસ્પિટલમાં સ્કિન બેંક તથા ૬.૨૫ કરોડના સિટી સ્કેન મશીન અને દર્દી સુવિધા કેન્દ્ર તેમજ પેશન્ટ ગોલ્ફ કાર્ટને શરૂ કરાવવામા આવ્યા હતા.
કોણ સ્કિન ડૉનેટ કરી શકશે?
સિવિલ હોસ્પિટલમાં આજે સ્કિન બેંક શરૂ કરી દેવામા આવી છે અને જે પણ સરકારના ફંડથી નહીં પરંતુ રોટરી ક્લબ કાંકરીયાના સહયોગથી શરૂ કરાઈ છે. જે વ્યક્તિએ મૃત્યુ બાદ સ્કીનનું દાન કરવાનો સંકલ્પ કર્યો હોય અથવા મૃત્યુ પછી સગા તરફથી સ્કીન ડોનેશન કરવાની સહમતિ આપવામા આવી હોય તેવા ૧૮ વર્ષથી વધુ વયના કોઈ પણ બ્લડ ગ્રુપ ધરાવતા દર્દી સ્કીન ડોનેશન કરી શકશે. સિવિલ હોસ્પિટલમાં સ્કિન બેંક ઉપરાંત એસ્ટ્રા ફાઉન્ડેશનના ૫.૫૦ લાખ અને કેનેરા બેંકના ૫.૭૦ લાખ રૂપિયાના ફંડથી પેશન્ટ ગોલ્ફ કાર્ટ પણ સર્વિસ પણ શરૂ કરાઈ છે. જ્યારે રૂ. ૬.૨૫ કરોડના ખર્ચે ૧૨૮ સ્લાઈડ્સનું લેટેસ્ટ એડવાન્સ્ડ સિટી સ્કેન મશીન પણ સિવિલ હોસ્પિટલમાં અંતે શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત બેંક ઓફ બરોડાના સહયોગથી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી ખાતે નવુ દર્દી સુવિધા કેન્દ્ર પણ શરૂ કરાયું છે.