ભાવનગરમાં લુખ્ખાઓનો આતંક : ચાર દિવસમાં છ જીવલેણ હુમલા, દિવાળીની રાત્રે ત્રણ લોકોની હત્યા
Six Deadly Attacks In Four Days In Bhavnagar District : ભાવનગર શહેરમાં જીવલેણ હુમલાના કિસ્સાઓ વધી રહ્યાં છે, ત્યારે લોકોમાં ડરનો માહોલ છવાયો છે. એક તરફ, ભાવનગરમાં દિવાળીની લોહિયાળ રાતની ચાર જીવલેણ હુમલાની ઘટનામાં ત્રણ લોકોની હત્યાની ઘટના હજુ તાજી છે. તેવામાં, ભાવનગર શહેરમાં વધુ બે જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. જેમાં આજે (3 નવેમ્બર) ભાવનગર શહેરના શિશુવિહાર સર્કલ અને ખારગેટ વિસ્તારમાં બબાલમાં કુલ ચાર લોકો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. જ્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
શિશુવિહાર સર્કલ: ત્રણ લોકો પર છરીથી હુમલો
શહેરના શિશુવિહાર સર્કલ વિસ્તારમાં નજીવી બાબતે બબાલ સર્જાઈ. જેમાં 'સામુ કેમ જુઓ છો' કહી... તેવી નજીવી બાબતે જાહિદખાન પઠાણ, અસરીફખાન પઠાણ અને સોહિલ નામના ત્રણ લોકો પર છરી વડે જીવલેણ હુમલો કર્યો. ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં.
ખારગેટ વિસ્તાર: જૂની અદાવતમાં ગળાના ભાગે છરીથી હુમલો
શહેરના ખારગેટ વિસ્તારમાં જૂની અદાવતમાં પાંચથી છ શખસોએ નિખિલ મેર નામના વ્યક્તિ પર ગળાના ભાગે છરી વડે હુમલો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : કુકરદા ગામના ખરાબ રસ્તાએ વધુ એક પ્રસૂતાને આપી પીડા, 108 ના પહોંચી શકતા મહિલાની ઘરે જ કરાવાઈ પ્રસૂતી
દિવાળીની એક જ રાત્રે ભાવનગર જિલ્લામાં ચાર જીવલેણ હુમલાની ઘટનામાં ત્રણ લોકોની હત્યા કરવામાં આવી છે, ત્યારે શહેરમાં વધતી જીવલેણ હુમલાની ઘટનાને લઈને ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે.
યોગીનગર: તબીબની હત્યાનો મામલો
શહેરના યોગીનગર ખાતે ડો. શિવરાજ લાખાણીની હત્યાની ઘટનામાં ઘોઘા રોડ પોલીસે આઠમાંથી એક સગીર સહિત છ શખસોને ઝડપી પાડ્યાં છે.
પ્રેમ સંબંધની દાજની ઘટનામાં એક શખસનું મોત
ભાવનગરમાં એક શખસ પર પ્રેમ સંબંધની દાજ રાખીને મહિલા સહિત બે લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક શખસને ગંભીર ઈજા થતાં સારવાદ દરમિયાન તેનું મોત નીપજ્યું. પોલીસે બે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
ઘોઘા પોલીસ સ્ટેશન તાબાના હાથબ ગામે આધેડનું મોત
દિવાળીની રાત્રે હાથબ ગામે ફટાકડા દૂર ફોડવા બાબતે આધેડ પર જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું.
આ પણ વાંચો : અમરેલી: વેકેશનમાં સિંહ દર્શન કરવા જવાના છો? જતા પહેલા આ અહેવાલ ખાસ વાંચી લેજો
દિવાળીની મધ્યરાત્રિએ શહેરના એરપોર્ટ રોડના બાલયોગી નગર ખાતે ફટાડકા ફોડવા બાબતે બબાલ થઈ હોવાની ચોથી ઘટના સામે આવી. જ્યારે ભાવનગર શહેરમાં વધતા જીવલેણ હુમલાની ઘટનાને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે.