ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે SITની રચના, જાણો કોનો કોનો ટીમમાં કરાયો સમાવેશ
Deesa Factory Blast: ગઈકાલે (1 એપ્રિલ) બનાસકાંઠાના ડીસામાં આવેલી GIDCમાં એક ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. આ મૃતકોમાં પાંચ જેટલા કિશોરનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઘટનાને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આ અતિ ગંભીર બનાવની વિસ્તૃત, વિશ્લેષ્ણાત્મક અને તટસ્થ તપાસ કરવા પુખ્ત વિચારણાને અંતે સરકાર દ્વારા ખાસ તપાસ દળ(SIT)ની રચના કરવાનો નિર્ણય લેવાયો છે.
SITની રચના
1) ભાવિન પંડ્યા, IAS, સેક્રેટરી લેન્ડ રીફોર્મ્સ, મહેસૂલ વિભાગ (અધ્યક્ષ)
2) વિશાલ વાઘેલા, નાયબ પોલીસ મહાનિરીક્ષક (સભ્ય)
3) એચ.પી.સંઘવી, ડાયરેક્ટર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગર (સભ્ય)
4) જે.એ.ગાંધી, ચીફ એન્જિનિયર, માર્ગ અને મકાન વિભાગ (સભ્ય)
આ ટીમ શું તપાસ કરશે?
SITની ટીમ દ્વારા તપાસ કરાશે કે કયા સંજોગોમાં અને કયા કારણોસર વિસ્ફોટનો બનાવ બન્યો હતો? જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરી શરૂ કરવા બાબતે સક્ષમ સ્થાનિક સત્તાતંત્ર પાસેથી યોગ્ય મંજૂરી મેળવી હતી કે નહીં? ફટાકડાની ફેક્ટરીની મંજૂરી ઉપરાંત તે માટેના વિસ્ફોટક સામગ્રીના સંગ્રહ માટે ગોડાઉનની અલગથી મંજૂરી મેળવવાની થાય કે કેમ? જો હા તો તે અંગેની નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવી છે. એક્સપ્લોઝિવ એક્ટ, 1884 અને એક્સપ્લોઝિવ રૂલ્સ, 2008ની જોગવાઈઓનું પાલન થયું છે કે નહીં? ટીમ આવા કેટલાક મુદ્દાઓ પર તપાસ અને અભ્યાસ કરશે.