Get The App

સેલવાસના નરોલીમાં પત્નીની હત્યા કેસમાં પતિને આજીવન કેદની સજા

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
સેલવાસના નરોલીમાં પત્નીની હત્યા કેસમાં પતિને આજીવન કેદની સજા 1 - image


Silvassa Court Order : સેલવાસના નરોલીમાં વર્ષ 2022માં પત્નીની હત્યા કેસમાં સેલવાસ સેશન્સ એન્ડ ડિસ્ટ્રીકટ કોર્ટે આરોપી પતિને આજીવન કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો ચૂકાદો આપ્યો છે. પતિએ પત્નીનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ પરિવાર અને લોકોને ગેરમાર્ગે દોરવા ગળે ટૂપો આપી આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું.

કેસની વિગત એવી છે કે, સેલવાસના નરોલી ગામે મહેન્દ્ર સોલંકીની ચાલમાં રહેતા દિપક વિશ્રામ યાદવે ગત તા.16-10-22ના રોજ પત્નીએ મોનીકાદેવીએ ફાસો ખાઈ આપઘાત કર્યા અંગે રહીશો, પરિવારજનો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે લાશનો કબજો લઈ પીએમ કરાવ્યું હતું. જો કે મોનીકાદેવીના ગળાના ભાગે ઈજાના નિશાનો મળી આવતા પોલીસે શંકા પહોંચી હતી. પીએમ રિપોર્ટમાં મોનીકાદેવુનું શ્વાસોશ્વાસ રુંધાવાને કારણે મોત થયું હોવાનું તારણ બહાર આવ્યું હતું. મૃતકના કાકાએ દિપક સામે શારીરિક માનસિક અત્યાચાર ગુજારી ગંભીર કૃત્ય કર્યાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસને પતિ દિપક પર વધુ શંકા જતાં તેની પૂછપરછ દરમિયાન તેણે મોનીકાદેવીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. મોનીકાદેવીએ આત્મહત્યા કર્યા અંગે લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. દિપકે પત્ની સાથે ઝઘડો થયા બાદ ઉશ્કેરાઈ જઈ ગળું દબાવી ઢીમ ઢાળી દીધું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પતિ દિપકની ધરપકડ કરી હતી. આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ પણ રજુ કરી દીધી હતી. આ કેસ સંદર્ભે સેલવાસ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારી વકીલ નિપૂણાબેન રાઠોડે સાક્ષીઓ સહિતના લોકોની જુબાની અને પુરાવા સાથે અનેક પાસાઓ પર દલીલો કરી હતી. કોર્ટે આ કેસમાં આરોપી દિપક યાદવને આજીવન કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો ચૂકાદો આપ્યો છે.


Google NewsGoogle News