સિહોર : 5 વર્ષ બાદ 5 કિલો સુકા ગાંજા સાથે શખ્સ ફરી ઝડપાયો
- વર્ષ-2019 માં પણ શખ્સ ગાંજા સાથે ઝડપાયો હતો
- સ્પેશિયલ ઓપરેશન ગૂ્રપે સુકો ગાંજો, મોબાઈલ મળી કુલ રૂ. 57 હજારનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : ભાવનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૂ્રપે સિહેરના ગુંદાળા વિસ્તારમાંથી એક શખ્સને પાંચ કિલોથી વધુ સુકા ગાંજા સાથે ઝડપી પાડયો હતો. ઉલ્લેખનિય છે કે, ઝડપાયેલો શખ્સ પાંચ વર્ષ પૂર્વે પણ ગાંજા સાથે ઝડપાયો હતો.
આ બનાવની વિગત એવી છે કે, ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગૂ્રપને બાતમી મળી હતી કે જામુનદાસ અર્જુનમુની હરીહર ( ઉ.વ.૬૭) એ પોતાના સિહોરના ગુંદાળા વિસ્તારમાં આવેલાં સ્મશાન વિસ્તાર સ્થિત આશ્રમ તરીકે ઓળખાતાં મકાનમાં સુકો ગાંજો છૂપાવ્યો છે. પોલીસે બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડયો હતો. જયાં હરીહર આશ્રમ તરીકે ઓળખાતા રહેણાંકી મકાનમાંથી પોલીસને પ કિલો ૨૭૧ ગ્રામ સુકો ગાંજો કિંમત રૂા.૫૨,૭૧૦ તથા એક મોબાઇલ ફોન કિમત રૂા. ૫૦૦૦ સહિત કુલ રૂા..૫૭,૭૧૦ ના મુદ્દામાલ સાથે જામુનદાસ અર્જુનમુની હરીહરને ઝડપી પાડયો હતો. બનાવ અંગ એસઓજીના એએસઆઇ વિઠ્ઠલભાઇ ચૌહાણે ઉક્ત શખ્સ વિરૂદ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ તળે ગુન્હો નોંધાવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૯માં પણ આ જ વિસ્તારમાંથી ઉપરોકત શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવાયો હોવાનું પોલીસ સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું.