Get The App

VIDEO: જ્યાં દ્વારકા ડૂબી હતી ત્યાં જઈને કરી જપમાળા, ઉજવાયો 'શ્રીકૃષ્ણ જલા જપા દીક્ષા' કાર્યક્રમ

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
VIDEO: જ્યાં દ્વારકા ડૂબી હતી ત્યાં જઈને કરી જપમાળા, ઉજવાયો 'શ્રીકૃષ્ણ જલા જપા દીક્ષા' કાર્યક્રમ 1 - image


Dwarka Nagri Darshan : 21 ડિસેમ્બર, 2024ના રોજ 'વિશ્વ જળમગ્ન શહેર' (સંકન સિટી) દિવસ તરીકે ઉજવાયો. આ દિવસે જળમગ્ન દ્વારકા નગરીમાં એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જય દ્વારકા અભિયાન હેઠળ દ્વારકાના પંચકુઈ બીચ નજીક જે જગ્યાએ સમુદ્રમાં ડૂબેલી દ્વારકાના અવશેષો પ્રાપ્ત થયા છે, ત્યાં બીચની નજીક અરબી સમુદ્રમાં 30 મી. ઊંડે સુધી સ્કૂબા ડાઇવર્સની ટીમ દ્વારા હ્યુમન ફ્લોટિંગ લોગો બનાવાયો હતો. આ આયોજનમાં વિશ્વભરમાં ડૂબી ગયેલા શહેરોના સંરક્ષણની થીમ સાથે મોરપીંછ આકારનો ફ્લોટિંગ લોગો બનાવામાં આવ્યો હતો.

જય દ્વારકા અભિયાન હેઠળ સ્કૂબા ડાઇવર્સ દ્વારા સમુદ્રની અંદર વિશેષ કાર્યક્રમો થયા હતા. જેમાં મેગા ઇવેન્ટમાં સમુદ્રમાં સ્કૂબા ડાઇવર્સની ટીમ દ્વારા ગોળાકાર આકારનો કુલ 7 ભાગોમાં વહેંચાયેલા શ્રી કૃષ્ણના પ્રતીક સમા મોરપીંછ આકારનો ફ્લોટિંગ લોગો બનાવ્યો હતો. આ સાથે જ દરિયાકાંઠે 70 જેટલાં નર્તકો દ્વારા શ્રી કૃષ્ણભક્તિના ગીતો પર નૃત્ય પ્રદર્શિત પણ કરવામાં આવ્યું હતું.

શ્રીકૃષ્ણ જલા જપા દીક્ષાનું પણ આયોજન 

વર્લ્ડ સંકન સિટી દિવસ નિમિતે યાત્રાધામ દ્વારકામાં 'શ્રીકૃષ્ણ જલા જપા દીક્ષા'નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે 11 વાગ્યે ગોમતી નદીના કિનારે પંચકુઈ બીચ નજીક સમુદ્રની અંદર ડૂબેલી દ્વારકાના અવશેષોની સાથે 5 હજાર વર્ષ પહેલાં દ્વારકાધીશ સ્વરૂપે બિરાજમાન શ્રી કૃષ્ણ કાળની દ્વારકાની મહત્તાને વિશ્વ ફલક પર લાવવાનો પ્રયાસ કરાયો.

આ કાર્યક્રમમાં પ્રવાસન મંત્રી મુળુ બેરા અને દ્વારકા, ગીર સોમનાથના ધારાસભ્ય સહિત હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુળુ બેરાએ કહ્યું કે, 'સરકારે સૌ કોઈ લોકો દરિયામાં જઈને પૌરાણિક દ્વારકાના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરશે.'

આ પણ વાંચો: VIDEO: અમરેલીમાં 101 વર્ષના માજીની બેન્ડવાજા સાથે નીકળી સ્મશાનયાત્રા, ભત્રીજાઓએ કાકીની ઈચ્છા પૂર્ણ કરી

સબમરીનથી દર્શન કરવાનો પ્રોજેક્ટ લાવાશે

દરિયામાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના સબમરીનથી દર્શન થાય તેવો પ્રોજેક્ટ લાવવા માટે રાજ્ય સરકારે એમઓયુ કર્યા છે. આ સબમરીનનો અંદાજે 35 ટન જેટલો વજન હશે, જેમાં દરેકને વિન્ડો સીટ હોવાથી એક સાથે 30 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા હશે. આ સાથે મુસાફરોની સુરક્ષાનું પણ યોગ્ય ધ્યાન રાખવામાં આવશે. 


Google NewsGoogle News