ભાવ.ની 3 ન.પા.ની ચૂંટણીમાં ફોર્મ ઉપાડવાના શ્રીગણેશ, 47 ફોર્મ ઉપડયાં
- સામાન્ય અને પેટા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ
- ભાવનગર મહાપાલિકાના વોર્ડ નં.3 ની એક બેઠક માટે 6 ફોર્મ ઉપડયાં, તાલુકા પંચાયતની 5 બેઠક પર પેટા ચૂંટણી માટે પ્રથમ દિવસે એકપણ ફોર્મ ન ઉપડયું
ભાવનગર જિલ્લાની સિહોર, ગારિયાધાર અને તળાજા નગરપાલિકામાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી વહીવટદારનું શાસન હતું. જેથી નગરપાલિકાઓમાં ક્યારે ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ છે ? તેની સામાન્ય જનતા અને રાજકીય પક્ષો ઘણાં લાંબા સમયથી રાહ જોઈને બેઠા હતા. ત્યારે ગત ૨૧મીના રોજ રાજ્ય ચૂંટણી આયોેગે મનપા, ન.પા., તા.પં.ની સામાન્ય, પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં આજે સોમવારે ૨૭મી જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભાવનગર શહેર-જિલ્લામાં સત્તાવાર રીતે ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચૂંટણી લડવા ઈચ્છુક મુરતિયાઓએ ફોર્મ ઉપાડવાનું પણ શરૂ કરી દીધું છે. જેમાં આજે પ્રથમ દિવસે સૌથી વધુ ગારિયાધાર નગરપાલિકામાં ૨૮, સિહોર નગરપાલિકામાં ૧૪ અને તળાજા નગરપાલિકામાં ૦૫ મળી કુલ ૪૭ ફોર્મ ઉપડયા હતા. જ્યારે ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૩માં એક સભ્યની ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાનાર હોય, આ બેઠક માટે પ્રથમ દિવસે છ ફોર્મનો ઉપાડ થયો હતો. તો તળાજા તાલુકાના પંચાયતની ઉંચડી (બિન અનામત સામાન્ય), નવા-જૂના રાજપરા (અનુ. આદિ જાતિ), ભાવનગર ગ્રામ્યની લાખણકા (બિન અનામત સામાન્ય) અને સિહોર તાલુકા પંચાયતની વળાવડ (અનુ. જાતિ સ્ત્રી), સોનગઢ (સામાન્ય સ્ત્રી) સીટની પેટા ચૂંટણીમાં માટે પ્રથમ દિવસે એક પણ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો ન હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.