Get The App

નવરાત્રીમાં શ્રીફળના ભાવમાં ઉછાળો : તહેવારના દિવસોમાં સાઉથના વેપારીઓએ બનાવેલી રીંગના કારણે થયો વધારો

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
નવરાત્રીમાં શ્રીફળના ભાવમાં ઉછાળો : તહેવારના દિવસોમાં સાઉથના વેપારીઓએ બનાવેલી રીંગના કારણે થયો વધારો 1 - image


Surat : સુરતમાં દર વર્ષે નવરાત્રી પહેલા શ્રીફળના ભાવમાં ઉછાળો આવે છે તેનું કારણ તહેવારના દિવસોમાં સાઉથના વેપારીઓએ બનાવેલી રીંગના કારણે સુરતમાં શ્રીફળના ભાવમાં વધારો થાય છે. જોકે, આ રીંગ તુટી જાય છે ત્યારે ભાવમાં ઘટાડો થાય છે તેવું ફરી એક વાર બન્યું છે. સુરતમાં નવરાત્રી પહેલા શ્રીફળનો રીટેલ ભાવ 40 રૂપિયાની આસપાસ પહોંચી ગયો હતો. પરંતુ સાઉથના વેપારીની રીંગ તુટી જતાં હાલમાં 35 રૂપિયા શ્રીફળનું વેચાણ થઈ રહ્યું છે. જોકે, હજુ પણ ખરાબ નારિયેળ નીકળે તેને બદલી આપતા વેપારીઓ 40 રૂપિયામાં જ વેચાણ કરી રહ્યાં છે. 

સુરતમાં નવરાત્રી દરમિયાન શ્રીફળની ડિમાન્ડમાં વધારો થાય છે તેથી સુરતના વેપારીઓ સાઉથના વેપારીઓ પાસેથી માલ વધુ માત્રામાં ખરીદે છે. સુરતમાં નવરાત્રીના દસ દિવસમાં 50 લાખથી વધુ શ્રીફળનું વેચાણ થાય છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને, કર્ણાટક પ્રાંતમાંથી શ્રીફળનો સ્ટોક આવે છે. પરંતુ આ દિવસોમાં ડિમાન્ડ વધુ અને સ્ટોક થોડો ઓછો હોવાથી ત્યાંના વેપારીઓ રીંગ બનાવી ઉંચા ભાવે શ્રીફળ સુરત મોકલે છે તેથી સુરતમાં જ હોલસેલ ભાવ 35 રૂપિયા જેટલો થઈ જાય છે તેને પરિણામે રિટેલ માર્કેટમાં શ્રીફળનો ભાવ 40 રૂપિયા થઈ જાય છે. 

સુરતમાં શ્રીફળ નું વેચાણ કરનારા મુકેશ શાહ કહે છે, દક્ષિણ ભારતમાંથી નારિયેળ માટે ગાડી લોડીંગ થાય તે પહેલાં ભાવ અલગ હોય અને ગાડી લોડીંગ થાય ત્યાર બાદ પણ ભાવ વધારી દેવામાં આવતો હોય તેવા પણ કિસ્સા બને છે. તેથી અહી વેપારીઓએ ભાવ પણ વધારે કરવો પડે છે. જોકે, કેટલાક વેપારીઓ આ રીંગ તોડી દે છે તેના કારણે શેર બજારની જેમ શ્રીફળના ભાવમાં પણ ઘટાડો થાય છે. નવરાત્રી પહેલા સુરતમાં રિટેલ માર્કેટમાં 40 રૂપિયામાં શ્રીફળ મળતું હતું તે રીંગ તુટી જતાં 35 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. જોકે, જે લોકો શ્રીફળ ખરાબ નીકળે તો બદલી આપે છે તેવા વેપારીઓ આજે પણ 40 રૂપિયામાં જ શ્રીફળનું વેચાણ કરી રહ્યાં છે. આ પ્રકારની રીંગ સાઉથના વેપારીઓ જ્યારે શ્રીફળની ડિમાન્ડ હોય ત્યારે કરે છે તેથી સુરતમાં તહેવાર અને ડિમાન્ડ વધુ હોય તે દિવસોમાં શ્રીફળના ભાવ વધુ થઈ જાય છે.

હોટલ-રેસ્ટોરન્ટ ઉપયોગમાં આવતા નારિયેળનો ભાવ હજી પણ 50 રૂપિયાની આસપાસ

સુરતમાં પૂજાના ઉપયોગમાં આવતા શ્રીફળ સાથે હોટલ-રેસ્ટોરન્ટ ઉપયોગમા આવતા નારિયેળનું પણ વેચાણ થાય છે. આ નારિયેળનું ફળ મોટું અને અલગ જ હોય છે અને તેનો ભાવ વધારે હોય છે. પહેલા આ નારિયેળ 35 થી 40 રૂપિયામાં મળતું હતું તેમાં હવે વધારો થતાં 50 રૂપિયા પર પહોંચી ગયું છે. 

સુરતમાં સાઉથ ઇન્ડિયન ફુડ સાથે ચટણી પીરસવામાં આવે છે તે અને સુરતી પેટીસ બન્નેમાં નારિયેળનો ઉપયોગ ભરપૂર થાય છે. પૂજાના નારિયેળથી હોટલ-રેસ્ટોરન્ટ નારિયેળ અલગ પ્રકારના અને મોટા હોય છે અને સામાન્ય નારિયેળ કરતા તેનો ભાવ અલગ જ હોય છે. કેટલાક ફરસાણ વાળા અને કેટલાક સાઉથ ઈન્ડિયન ફુડવાળાઓ આ નારિયેળનો ઉપયોગ કરે છે. તેઓ માટે પણ હાલ કપરો સમય છે પહેલા આ નારિયેળ 35 થી 40  રૂપિયા વેચાણ થતું હતું, પરંતુ હાલમાં તેનો ભાવ 45 થી 50 રૂપિયા સુધીનો થઈ ગયો છે.


Google NewsGoogle News