શ્રાવણ માસના પહેલા દિવસે મંદિરો હર હર મહાદેવના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યા

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
શ્રાવણ માસના પહેલા દિવસે મંદિરો હર હર મહાદેવના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યા 1 - image


આજે શ્રાવણ મહિનાના પહેલો દિવસ અને તે પણ સોમવાર છે તેથી પહેલા જ દિવસે સુરત શિવમય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. સુરતના અનેક શિવ મંદિરમાં હર હર મહાદેવના નારા ગુંજતા વાતાવરણ ધાર્મિક બની ગયું હતું. સુરતના શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું. આ ઉપરાંત કેટલાક મંદિરમાં ભક્તો કાવડ લઈને શિવજીને જળ ચઢાવવા માટે પહોંચ્યા હતા.

શ્રાવણ માસનો પહેલો દિવસ અને તે પણ સોવાર હોવાથી ગઈકાલે રાત્રીથી જ અનેક શિવ મંદિરોમાં શિવ ભક્તો કાવડ લઈને તાપી માતાનું જળ ચઢાવવા ચાલતા પહોંચી ગયા હતા. સુરતના ગંગેશ્વર મહાદેવ, પારદેશ્વર મહાદેવ, ઈચ્છાનાથ મહાદેવ, રૂંઢનાથ મહાદેવ સહિતના અનેક શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. વહેલી સવારથી જ મંદિરોમાં પૂજા અર્ચના સાથે શિવભક્તોની દર્શન માટે લાંબી લાઈન જોવા મળી હતી. આ મંદિર ઉપરાંત ઓલપાડ નજીકના સિધ્ધનાથ મહાદેવ અને તેના ખાતે સ્તેનેશ્વર મહાદેવ મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી. 

સુરતના કતારગામ ખાતે આવેલા પૌરાણિક એવા કંતારેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત શહેર અને જિલ્લાના નાના મોટા શિવ મંદિરો શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ભક્તોની ઉભરાયા હતા. મંદિર દ્વારા શ્રાવણ મહિનામાં ખાસ પૂજા અર્ચના તથા મંદિરને સુશોભન કરવાનું કામ પણ કર્યું છે. શ્રાવણ મહિનામાં ખાસ કરીને સોમવારે ભક્તોની ભીડ જામી હોવાથી દર્શન માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. આજે શ્રાવણ મહિનાનાનો પહેલો દિવસ અને પહેલા સોમવારે શિવ મંદિરમાં હર હર મહાદેવ અને બમ બમ ભોલે ના નારા ગૂંજ્યા હતા. શ્રાવણના પહેલા સોમવારે ભક્તો શિવમય બની ગયા હતા અને મોટી સંખ્યામાં શિવ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.

શ્રાવણ માસના પહેલા સોમવારે મંદિરોમાં શિવભક્તોમાં યંગસ્ટર્સની સંખ્યા ઘણી મોટી જોવા મળી હતી. જોબ કે સ્કૂલ, કોલેજમાં અભ્યાસ કરવા જતા યંગસ્ટર્સ પણ મોટી સંખ્યામાં ભોળાનાથની આરાધના કરવા માટે મંદિર પહોંચ્યા હતા. મોટાભાગના ભક્તો બીલીપત્ર, જળ અને દૂધ સાથે અન્ય દ્રવ્ય લઈને મહાદેવજીને અભિષેક કરતા હતા. શ્રાવણ માસ હોવાથી મંદિરોને પણ રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓનું ઘોડાપુર હોવાથી દર્શન માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. શિવ મંદિરોમાં ભક્તોની ભીડ સાથે સાથે એક સાથે ભક્તો બમ બમ ભોલે અને હર હર મહાદેવના નારા લગાવતા વાતાવરણ શિવમય બની ગયું હતું.


Google NewsGoogle News