હજીરાના ઉદ્યોગોને ટ્રીટેડ વોટર આપવાના કિસ્સામાં કશું રંધાયાની ગંધ : દરખાસ્તમાં પ્રોસીજર લેપ્સ થતાં એડી.સીટી ઈજનેરને શો કોઝ નોટિસ
Surat : સુરત પાલિકા દ્વારા હજીરાના ઉદ્યોગોને ટ્રીટેડ વોટર પુરું પાડવા માટેની દરખાસ્તમાં કંઈક રંધાયું હોવાની ચર્ચા બાદ મ્યુનિ. કમિશ્નરે કામગીરી સંભાળતા એડીશનલ સીટી ઈજનેરને શો કોઝ નોટિસ ફટકારી છે. દોઢ વર્ષથી ટેન્ડર પ્રક્રિયા ચાલતી હોવા છતા ટીએસસીમાં કામ જ ના મુકાયું અને કમિશનરે કે સીટી ઇજનેરને જાણ પણ કરવામા આવી ન હોવાથી કામગીરીમાં શંકા જતાં નોટિસ ફટકારવામાં આવી છે.
સુરત પાલિકા દ્વારા ઉદ્યોગોને ટ્રીટેડ વોટર પુરું પાડવાની કામગીરી ચાલી રહી છે. પાલિકા સચિન અને પાંડેસરાના ઉદ્યોગોને ટ્રીટેડ વોટર પુરું પાડી રહી છે. છેલ્લા એક દોઢ વર્ષથી હજીરાના ઉધોગોને ટ્રીટેડ વોટર પુરું પાડવાની કામગીરી થઈ રહી છે. આ કામગીરી માટે દરખાસ્તની પ્રોસીજરમાં લેપ્સ દેખાતા મ્યુનિ. કમિશ્નરે એડીશનલ સીટી ઈજનેર કેતન દેસાઈને શો કોઝ નોટિસ ફટકારી છે. 300 કરોડના ઓપરેશન મેઇન્ટેનન્સ સહિત કુલ 1500 કરોડના પ્રોજેક્ટ માટે રજુ થયેલી દરખાસ્તમાં ક્ષતિ હોવાનું કહેવાઈ રહ્યું છે. એડીનલ સીટી ઈજનેર કેતન દેસાઇએ ટેન્ડર સ્ક્રુટીની કમિટિમાં આ ટેન્ડર મુક્યુ જ નહી અને આ ટેન્ડરની સ્ક્રુટીની બાકી હોવા બાબતે સીટી ઈજનેર કે કમિશનરનું ધ્યાન પણ દોર્યુ નહોતું. જેના કારણે નોટિસ ફટકારવામાં આવી છે.
કેતન દેસાઈ મ્યુનિ.કમિશ્નરની ગુડ બુકમાં છે તેમ છતાં તેમને શો કોઝ નોટિસ આપતા પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે. પાલિકાના મોટા ભાગના અધિકારીઓને નોટિસ આપવામાં આવી રહી છે જે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઉપરાંત આડેધડ શો કોઝ નોટિસ ફટકારવામાં આવે છે અને પછી દફતરે થાય છે તે મુદ્દો પણ પાલિકાના અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.