સુરત સ્થાયી સમિતિના ઠરાવમાં સુધારો કરવામાં ભારે વિલંબ કરનારા સીટી ઈજનેરને શો-કોઝ નોટિસ
Surat Corporation : સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ પાલિકા વિસ્તારમાં ડ્રેનેજ ચોક અપ અને ઓવરફ્લોની અનેક ફરિયાદ છે તે દુર કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી બાબતનો કોઈ કોમ્પ્રેહેન્સિવ કે મહાનગરપાલિકામાં ઉપલબ્ધ ન હોવાથી કોમ્પ્રેહેન્સિવ માસ્ટર પ્લાન બનાવવાની કામગીરી માટે સ્થાથી સમિતિએ ઠરાવ કર્યો હતો. મ્યુનિ. કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરી હતી તેની વિપરીત સુધારો કરવાની દરખાસ્ત અતિશય વિલંબથી રજુ કરનારા પાલિકાના સીટી ઈજનેરને ગઈકાલે મોડી રાત્રે શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર સીટી ઈજનેર કક્ષાના અધિકારીને શો-કોઝ નોટિસ હોવાથી અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પાલિકાની 12-જૂન 2023ની સ્થાયી સમિતિમાં કન્સલન્ટન્ટ ડ્રેનેજ-સ્ટ્રોમ ડ્રેઈનની કામગીરી માટે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. પરંતુ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં સંમતિપત્રક આપનાર કુલ-2 કન્સલટન્ટો પૈકી કન્સલટન્ટ ગ્રીન ડિઝાઇન એન્ડ એન્જિનિયરિંગ સર્વિસીસ પ્રા.લી.ને સુરત શહેરના વિસ્તારોમાં સુએજ અને સ્ટોર્મ ડ્રેનેજની વિવિધ કામગીરી માટે પાંચ વર્ષની કામગીરી સોંપવા ઉપરાંત હદ વિસ્તરણ અને સમગ્ર શહેરના માસ્ટર પ્લાન ધ્યાને લેતા, તમામ કામોમાં એકરૂપતા જળવાઈ રહે તથા કામગીરીમાં સમયની બચત થાય તે હેતુસર પાણી પુરવઠાના આગામી કામો માટે કન્સલટન્ટ ગ્રીન ડિઝાઇન એન્ડ એન્જિનિયરિંગ સર્વિસીસ પ્રા.લી. જો ભાવ માટે સંમતિ દર્શાવે તો તેમને પણ કરાર કરવા માટેનો ઉમેરો કરી દેવાયો હતો.
પાલિકાની સ્થાયી સમિતિએ કરેલા આ ઠરાવને પગલે વિભાગ દ્વારા હાઇડ્રોલીક વિભાગના પ્રોજેક્ટો બાબતે કન્સલ્ટન્સી સોંપવા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સમક્ષ રિપોર્ટ પણ રજૂ કર્યો હતો. જોકે, દરખાસ્તથી વિપરીત સ્થાયી સમિતિના નિર્ણયને કારણે મ્યુનિ. કમિશનરે સ્પષ્ટ રીતે આ કામગીરી સોંપવા સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ ઉપરાંત તેઓએ પાલિકાના સિટી ઇજનેર અક્ષય પંડ્યાને સ્થાયી સમિતિના ઠરાવ નં.1024/2023માં સુધારો કરવાની દરખાસ્ત રજૂ કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. જોકે, દોઢેક વર્ષથી મ્યુનિ. કમિશનરે અનેક વખત સૂચના આપ્યા છતાં પણ કોઈ સુધારો રજુ કરવામા આવ્યો ન હતો.
જોકે, હાલમાં મળતી માહિતી પ્રમાણે મ્યુનિ. કમિશનરે સીટી ઈજનેર અક્ષય પંડ્યાને એક સપ્તાહ પહેલા આ સુધારા માટે કડક સૂચના આપી હતી. આ ચેતવણીના પગલે સીટી ઈજનેર પંડ્યાએ સમિતિના ઠરાવ નં. 1024/2023માં સુધારો કરવાની દરખાસ્ત માટેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આ રિપોર્ટ માંડ બે ત્રણ લીટીનો હતો અને સ્થાયી સમિતિએ કરેલા ઠરાવમાં સુધારો કરવાની શા માટે જરૂર પડી તે માટે કોઈ સુધારામાં ઉલ્લેખ કર્યો ન હતો. આવી અધુરી અને માહિતી સાથે સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાથી મ્યુનિ. કમિશનરે ગઈકાલે મોડી રાત્રે સીટી ઈજનેર અક્ષય પંડ્યાને શો-કોઝ નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.
પાલિકાના કમિશનર બાદ મહત્વની પોસ્ટ છે તેવા સીટી ઈજનેર સામે પહેલી વખત શિક્ષાત્મક પગલાં ભરાતા અધિકારીઓમાં ફફટાડ જોવા મળી રહ્યો છે અને આ કિસ્સો પાલિકા કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો છે.
દરખાસ્તમાં સુધારો થતા મ્યુનિ. તંત્રએ કેટલાક કામો પર બ્રેક પણ મારી હતી
સુરત પાલિકાની જૂન મહિનાની સ્થાયી સમિતિમાં કન્સલ્ટન્સી ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજના કામગીરી માટે નિમણૂક કરવાની દરખાસ્ત રજૂ થયા બાદ આ જ મહિનાની સામાન્ય સભામાં એજન્સીને વધારાની કામગીરી તરીકે હાઈડ્રોલિકની કામગીરી પણ સોંપી દેવામાં આવી હતી. આ ઠરાવના આધારે થોડા સમય પહેલાં કેટલીક કામગીરી પણ રજુ થઈ હતી. પરંતુ ઠરાવમાં હાઈડ્રોલિકની કામગીરી કઈ રીતે સોંપવામા આવી તેનો ખુલાસો માંગી કામગીરી પર બ્રેક મારી દેવામાં આવી હતી. ત્યારથી મ્યુનિ. કમિશનર દ્વારા સુધારો રજુ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.