Get The App

સુરત સહિતના શહેરોમાં દારૂના અડ્ડા ચલાવતા લોકોનું સરઘસ કાઢી બતાવો

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
સુરત સહિતના શહેરોમાં દારૂના અડ્ડા ચલાવતા લોકોનું સરઘસ કાઢી બતાવો 1 - image


ગૃહ રાજ્ય મંત્રીને વડગામના ધારાસભ્યનો પડકાર

ખેતીખર્ચ અનેકગણો વધ્યો છતાં કપાસના ભાવ વધ્યા નથી, ઉલ્ટાનું જીએસટીના કારણે ખેડૂતોની કમર તૂટી છે : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના ભાજપ પર પ્રહારો 

ગઢડા: તાજેતરમાં નજીકના સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત, નગર પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્વે ભાજપના અને આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસમાં ભળતા આજે બોટાદ જિલ્લાના ગઢડા ખાતે ગઢડા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાસ સભાનું આયોજન કરાયું હતું. 

આ સભામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં બનેલી અમરેલીની ઘટનામાં પાટીદાર સમાજની દિકરીને ભરબજારમાં વરઘોડો કાઢી અપમાનિત કરવામાં આવી હતી. આ બાબતનો ઉલ્લેખ કરીને તેમણે રાજ્યના આઠ ચોપડી પાસ ગૃહ રાજ્ય મંત્રીને પડકાર ફેંક્યો હતો કે, સુરત વિગેરે શહેરોમાં દારૂના અડ્ડા ચલાવતા લોકોનું સરઘસ કાઢે તો માનીએ. તેમણે બંધારણ સર્વોપરી હોવાનું અને ન્યાયની લડત માટે સંઘર્ષ કરતા રહેવા કાર્યકરોને જણાવ્યું હતુ. 

સભાને સંબોધતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકારની નીતિ રીતી ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મત માટે હિન્દુ - મુસ્લિમ કરતી ભાજપ સરકાર જૂઠાણાનો વેપાર ચલાવે છે. વીસ વર્ષ પહેલા કપાસ ચૌદસો રૂપિયામાં વેંચાતો ત્યારે ભાજપના લોકો કિસાનોની આવક બમણી કરી દેવાની વાત કરતા હતા. બાદમાં, ડિઝલ, દવા, ખાતરનો ભાવ વધતા ખર્ચ અનેકગણો વધ્યો હોવા છતાં કપાસના ભાવ વધ્યા નથી, ઉલ્ટાનું જી.એસ.ટી.ના મારથી ખેડૂતોની કમર તૂટી છે. ઉદ્યોગ જરૂરી છે પરંતુ ખેતી પ્રધાન દેશમાં ખેતીના ભોગે ઉદ્યોગો ન હોવા જોઈએ તેમ જણાવ્યંુ હતું.  

 સાંપ્રત રાજ્યમાં બનેલી સાંપ્રત ઘટનાઓનો ઉલ્લેખ કરી પેપર ફોડનારા, ડ્રગ્સની હેરાફેરી કરનાર, બળાત્કાર કરનારા ભાજપના કાર્યકરો નિકળ્યા હોવાનું જણાવી રામના નામે ચરી ખાતા રાવણોને પ્રજાએ ઓળખી લેવા અને સત્યને ઉજાગર કરવા ટકોર કરી હતી. આ સભામાં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા કાર્યકરોને આવકાર અપાયો હતો. ઢસા રોડ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોના કોંગ્રેસ પ્રવેશ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  


Google NewsGoogle News