સચિવાલયમાં પાયાની કામગીરી કરતાં 354 ઑફિસ આસિસ્ટન્ટની ઘટ : 5 વર્ષમાં 87એ નોકરી છોડી
Gandhinagar secretariat News : ગુજરાત સરકારમાં ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની પ્રક્રિયા ધીમી હોવાની અસર સરકારી કામગીરી પર પડે છે અને હવે આ સ્થિતિ છેક ગાંધીનગર સચિવાલય સુધી પહોંચી છે. જ્યાં સરકારના વહીવટની પાયાની કામગીરી કરતાં ઓફિસ આસિસ્ટન્ટની 354 જગ્યાઓ ખાલી હોવાની વિગતો સામે આવી છે. સરકારે વર્ષ 2021ના રોજ સચિવાલય ખાતેની કારકુન/ટાઇપિસ્ટની જગ્યાઓ રદ કરી કુલ - 600 જગ્યાઓ સાથેનો ઑફિસ આસિસ્ટન્ટ વર્ગ-3નો નવો સંવર્ગ ઊભો કર્યો હતો.
ઑફિસ આસિસ્ટન્ટની કેડર વર્ષ 2015માં અસ્તિત્વમાં આવી હતી. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર દ્વારા 17 ઑગષ્ટ 2021ના રોજ સચિવાલય ખાતેની કારકુન/ટાઇપિસ્ટની જગ્યાઓ રદ કરી કુલ - 600 જગ્યાઓ સાથેનો ઑફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 નો નવો સંવર્ગ ઊભો કરવામાં આવેલો છે. જે બાદ સચિવાલયના વિભાગો તેમજ વિભાગો હેઠળની અન્ય કચેરીઓ દ્વારા ઑફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતનું કરપ્શન મોડલઃ કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી કરો, પછી ટેક્સ વસૂલી તેમને કંગાળ કરો
સચિવાલય સંવર્ગના ઑફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની જગ્યાઓની સમીક્ષા કરી સંવર્ગનું કેડર શેડ્યુલ (સંખ્યાબળ) અધ્યતન કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. સરકાર દ્વારા વિચારણાના અંતે સચિવાલય સંવર્ગના ઑફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 નું કેડર શેડ્યુલ (સંખ્યાબળ) 636 નિયત કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
કેડર શેડ્યુલ મુજબ વર્ષ 2015માં ઑફિસ આસિસ્ટન્ટની સ્ત્રોતવાર કુલ મંજૂર જગ્યાઓ 200 હતી. જે સમયે વર્ષની અંદર 182 જગ્યાઓ ભરવામાં આવી હતી અને 18ની ઘટ હતી. પરંતુ વર્ષ 2021ની સ્થિતિએ 636 સ્ત્રોતવાર કુલ મંજૂર જગ્યાઓ હોવા છતાં જગ્યાઓ ભરવામાં ના આવતાં એ ઘટ 354 પહોંચી છે. વર્ષ 2021માં જ સરકારના સચિવાલયમાંથી 91 જેટલા ઑફિસ આસિસ્ટન્ટ સંવર્ગ છોડીને જતા રહ્યા હતા એટલે કે નોકરી જ છોડી દીધી હતી.
આ પણ વાંચો: 2024માં ગુજરાત સરકારને લાગ્યું કૌભાંડ-કાંડનું કલંક, ગેરરીતિ-ગોટાળા,ભ્રષ્ટાચારની ભરમાર
આ સંવર્ગ સૌથી વધુ કામગીરી સામાન્ય વહીવટ વિભાગ, નાણાં વિભાગ, મહેસૂલ વિભાગ જેવા વિભાગો હોવા છતાં સચિવાલયમાં તેમની ઘટ છે જેની અસર રોજિંદી સરકારી કામગીરી પર પડે છે.
ઑફિસ આસિસ્ટટ તરીકે કામ કરતાં એક કર્મચારીએ જણાવ્યું કે ઑફિસ આસિસ્ટટની જગ્યાએ અમુક કામગીરી સરકાર કોન્ટ્રેક્ટવાળા કર્મચારીઓથી ચલાવે છે અને ભરતી કરતી નથી જેથી આટલી મોટી ઘટ ઊભી થાય છે અને કામગીરીની પ્રક્રિયા ઘટે છે. ઑફિસ આસિસ્ટન્ટની કોઈપણ વિભાગમાં કામગીરી જોઈએ તો નોટિંગ, ડ્રાફટિંગ, ઝેરોક્ષ કરવી, પત્ર વ્યવહાર, સરકારી પત્રો ઇનવર્ડ કરવા, ઇ સરકાર જેવી કામગીરી કરતાં હોય છે.