VIDEO: જામનગરના હડિયાણામાં પવનચક્કીનો ટાવર અંદરથી સળગ્યો, મહામહેનતે ફાયર વિભાગે આગ બુઝાવી
Windmill Tower In Hadiyana, Jamnagar : જામનગરના જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. સમગ્ર ઘટનાને લઈને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
પવનચક્કીમાં શોર્ટ સક્રિટ બાદ આગ લાગી
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં આજે રવિવારે સવારે 9.30 વાગ્યે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જેથી પવનચક્કીની અંદર વાયરિંગ સળગવા લાગ્યું હતું. આગની ગરમીના કારણે પવનચક્કીની બહારની સાઈડના ભાગમાં આગના બળવાના કાળા નિશાનો દેખાયા હતા અને પવનચક્કી અતિશય ગરમ થઈ હતી.
સમગ્ર ઘટના અંગે સુજલોન કંપનીના સ્થાનિક મેનેજર દ્વારા જામનગર મહાનગર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં ફાયર બ્રિગેડની ટીમે આશરે 35 ફૂટ ઊંચે સુધી પાણી નાખીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાના ટૂંક જ સમયમાં આગ પર કાબૂ મેળવતા પવનચક્કીને મોટી નુકસાની પહોંચી ન હતી.