Get The App

અશાંતધારાનો ખુલ્લેઆમ ભંગ થતા કાર્યવાહી સરકારી જમીન પર પાંચ દુકાનો બનાવી બારોબાર ભાડે આપી દીધી

ભાડાનો કરાર રદ કરી દેવાનો શહેર એસડીએમનો હુકમ ઃ અવેજની રકમ સરકારમાં દાખલ કરવી પડશે

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
અશાંતધારાનો ખુલ્લેઆમ ભંગ થતા કાર્યવાહી  સરકારી જમીન પર પાંચ દુકાનો બનાવી બારોબાર ભાડે આપી દીધી 1 - image

વડોદરા, તા.12 શહેરના સયાજીપુરા વિસ્તારમાં અશાંતધારા વિસ્તારમાં આવેલી જમીન પર મંજૂરી વગર બારોબાર પાંચ માલિકોએ દુકાનો બનાવી ભાડે આપી દીધી હોવાનું બહાર આવતા કલેક્ટર દ્વારા સુઓમોટો દાખલ કરી પાંચેય દુકાનોની તબદીલી રદ કરી દીધી છે. મહત્વની બાબત એ છે કે જે જમીન પર દુકાનો બનાવી હતી તે જમીન સરકારી હતી જેથી તે અંગે કડક પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સયાજીપુરામાં રે.સ. નંબર ૫૩૦ પૈકી ૪ વાળી જમીનમાં આવેલી દુકાનોનો સમાવેશ સરકાર દ્વારા જાહેર કરેલ અશાંત વિસ્તારમાં થાય છે. આ મિલકત પર સીતારામનગરમાં રહેતા અંબાલાલ ભરવાડ, અંબિકાપ્રસાદ કિશનપ્રસાદ કુશવાહા, અરવિંદકુમાર ગૌતમ, મેહુલ ભરવાડ અને રાજુભાઇ ભરવાડે દુકાનો બનાવી તેને અશાંતધારાની પરવાનગી વગર બારોબાર ભાડે આપી દીધી હોવાની સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત થય બાદ સુઓમોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

શહેરના નાયબ કલેક્ટરની કોર્ટમાં  કેસ દાખલ કર્યા બાદ પાંચેય શખ્સોને નોટિસો બજાવવામાં આવતા તેમણે પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જેમાં જણાવ્યું  હતું કે અમે ખેડૂત નટુભાઇ મેલાભાઇ, સુરેશભાઇ નટુભાઇ, ઠાકોરભાઇ નટુભાઇ, લક્ષ્મીબેન સુરેશભાઇ, શકુન્તલાબેન ઠાકોરભાઇ અને મંજુલાબેન નટુભાઇ પાસેથી રૃા.૫૦ના સ્ટેમ્પ પર વેચાણ કરારથી મિલકત ખરીદી હતી અને તે અંગે વેચાણ કરારની નકલ પણ રજૂ કરી હતી.

દરમિયાન જમીનના રેકર્ડની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ જમીનમાં મામલતદાર અને કૃષિપંચ (પૂર્વ)ના હુકમ મુજબ તે  જમીન શ્રી સરકાર દાખલ થયેલી છે. ખરેખર આ સરકારી જમીન હોવા છતાં તેના પર બાંધકામ કરી બારોબાર ભાડે આપી દેવામાં આવી હતી. આ મિલકતને ભાડે આપવી તે અશાંતધારા કાયદાનો ભંગ થતો  હોવાથી બની બેઠેલા માલિકો તેમજ ભાડૂતો વચ્ચે થયેલા ભાડાકરાર રદબાતલ જાહેર કરવાનો હુકમ નાયબ કલેક્ટર  દ્વારા કરવામાં આવ્યો હતો. એટલું જ નહી પરંતુ મિલકતની તબદીલી માટે મેળવેલ અવેજની રકમ પણ તબદીલીથી લેનારને નહી પરંતુ સરકારમાં જમા કરી જમીન સરકાર હસ્તક રાખવાનો હુકમ કરાયો હતો.




Google NewsGoogle News