નડિયાદમાં વાણિયાવાડ પાસે દુકાનોના ઓટલા, શેડના દબાણો તોડી પડાયા
- રોડ ઉપર જ દબાણો, પાર્કિંગથી સમસ્યા વકરી હતી
- ટ્રાફિક સિગ્નલમાં વાહનવ્યવહાર રોકાય ત્યારે બીજી તરફનો રસ્તો પણ બ્લોક થઈ જતો હતો
નડિયાદ શહેરમાં વાણિયાવાડ સર્કલ પાસે ગતરોજ નગરપાલિકાની ટીમ દ્વારા દુકાનદારો દ્વારા કરાયેલા પાકા દબાણો પૈકી ઓટલા અને છાપરા સહિત એંગલો દૂર કરી દેવાયા હતા. હાલ વાણિયાવાડ સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા શરૂ કરાઈ છે. ત્યારે કિડની સર્કલથી વાણિયાવાડ તરફ વાણિયાવાડ સર્કલે વાહનવ્યવહાર જ્યાં ઉભો રહે છે ત્યાં રોડ ખૂબ સાંકડો છે. અહીંયા બાજુમાં આવેલી હોટલ અને આસપાસમાં આવેલી દુકાનના માલિકો દ્વારા રોડ પર ઓટલા બનાવી એંગલોથી શેડ તાણી દીધા હતા.
બહારના ભાગે દુકાનોના મોટા બેનરો માર્યા હોવાથી રોડ સાંકડો થઈ ગયો હતો. ગ્રાહકો સહિતના લોકોના વાહનો પાર્ક થવાના કારણે ભારે અડચણ ઉભી થતી હતી. ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે થોડી સેકંડ રોડ બ્લોક થઈ જતો હતો. સર્કલથી મહા ગુજરાત તરફના રોડ પર વળનારા વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાઈ જતા હતા. જે અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆતો પણ થઈ હતી. ત્યારે નડિયાદ નગરપાલિકા પ્રશાસન દ્વારા આ મામલે સોમવારે મોડી રાતે કાર્યવાહી આરંભી તમામ દુકાનોના શેડ, એંગલો અને ઓટલા તોડી દબાણો હટાવી રસ્તો ખૂલ્લો કર્યો હતો.
નડિયાદ સ્ટેશન રોડ પરના દબાણો દૂર કરાયા
નડિયાદ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના રેલવે સ્ટેશનની આસપાસ અને આ મુખ્ય રોડ પરના લારી-ગલ્લાના દબાણો દૂર કરાવ્યા હતા. તમામ લારી-ગલ્લાં અંદર લેવડાવવા માટેની કામગીરી કરી હતી અને શહેરના મુખ્ય રોડને ખુલ્લો કરવાની કામગીરી કરી હતી. જો કે, નગરપાલિકાની આ કામગીરી કેટલી અસરકારક છે, તે આવનારા દિવસોમાં માલુમ પડશે.