વેલેન્ટાઈન વીકના પ્રારંભની સાથે યુવાઓમાં ખરીદીનો ધમધમાટ વધ્યો
વિક્રેતાઓ દ્વારા બ્રાન્ડેડ આર્ટીકલ્સના સ્ટોકનોસંગ્રહ કરાયો
સ્થાનિક નામાંકિત બ્રાન્ડેડ શોરૂમ તેમજ મોલમાં યુવાઓને ખરીદી અર્થે આકર્ષવા માટે ચિત્તાકર્ષક સુશોભન અને શણગાર કરાયા
આગામી તા.૧૪ ફેબુ્રઆરીને શુક્રવારના રોજ વેલેન્ટાઈન ડે ઉજવાશે. તે પહેલા ભાવનગર શહેર અને જિલ્લાભરમાં આવતીકાલ તા.૭ ને શુક્રવારથી રોઝ ડેના સેેલીબ્રેશન સાથે કોલેજીયન્સ યુવાઓ દ્વારા વેલેન્ટાઈન વીકની ઉજવણીનો પરંપરાગત રીતે પ્રારંભ કરવામાં આવશે. ફેબુ્રઆરી માસને કોલેજીયન યુવાઓ વેેલેન્ટાઈનના મહિના તરીકે ઓળખાવે છે અને આ માસની લવબર્ડસ કાગડોળે પ્રતિક્ષા કરતા હોય છે. આવતીકાલ તા.૭ થી લઈને તા.૧૪ સુધીના વેલેન્ટાઈન વીક અંતગર્ત દરરોજ અલગ-અલગ દિવસની ગોહિલવાડના યુવાઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. પ્રેમનો એકરાર કરવાના આ ખાસ સપ્તાહ દરમિયાનના દરેક દિવસનુુ યુવાઓમાં ખાસ મહત્વ રહેલુ છે. જેમાં તા.૮ ને શનિવારે પ્રપોઝ ડે, તા.૯ ને રવિવારે ચોકલેટ ડે, તા.૧૦ ને સોમવારે ટેડી ડે, તા.૧૧ ને મંગળવારે પ્રોમીસ ડે, તા.૧૨ ને બુધવારે હગ ડે, તા.૧૩ ને ગુરૂવારે કીસ ડે તેમજ વીકના અંતિમ દિવસ તા.૧૪ને શુક્રવારે વેલેન્ટાઈન ડે મનાવવામાં આવશે. આ દિવસે યુવા મિત્રો દ્વારા પરસ્પર ફ્રેન્ડશીપ બેલ્ટ સહિતની મનપસંદ ગીફટ આર્ટીકલ્સ સહિતની ચીજવસ્તુઓની સરપ્રાઈઝ ગીફટની આપ-લે કરવામાં આવશે. વેલેન્ટાઈન વીકનો પ્રારંભ થતાની સાથે જ શહેરના ઉપરોકત વિવિધ વ્યાપારી વિસ્તારોમાં, નામાંકિત શોરૂમ, ફલાવર શોપ, મોલ તેમજ હોટલ, રેસ્ટોરન્ટ, ફાર્મહાઉસ સહિતના સ્થળોએ યુવાઓની સારી એવી ભીડ દ્રશ્યમાન થઈ રહી છે. આ યુવાઓને આકર્ષવા માટે બ્રાન્ડેડ કંપનીઓના સંચાલકો દ્વારા વેલેન્ટાઈન વીકને અનુલક્ષીને વિશેષ સુશોભન અને શણગાર કરાયા છે.