સરકારી જમીન પર ગેરકાયદે બંધાયેલ વ્હાઇટ હાઉસ બંગલાનો ચોંકાવનારો ખુલાસો
સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામની 9 વર્ષથી તલાટીને જાણ હતી
તલાટીએ લેન્ડ રેકર્ડમાં વર્ષ 2012-13માં ગેરકાયદે બાંધકામ અંગે એન્ટ્રી પાડી હતી
વડોદરા, 3 ફેબ્રુઆરી 2023 શુક્રવાર
વડોદરામાં સરકારી જમીનમાં બનેલા વ્હાઈટ હાઉસ બંગલાની લેન્ડ ગ્રેબિંગ મામલે તપાસ ચાલી રહી છે.આ મામલે તપાસમાં સામે આવ્યું છે કે, સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામની 9 વર્ષથી તલાટીને જાણ હતી. તલાટીએ લેન્ડ રેકર્ડમાં વર્ષ 2012-13માં ગેરકાયદે બાંધકામ અંગે એન્ટ્રી પાડી હતી.છેલ્લા 9 વર્ષથી ગેરકાયદેસર બાંધકામની જાણ હોવા છતાં કલેક્ટર કચેરીના તંત્રએ કોઈ પગલાં ન ભર્યા. આ ગેરકાયદેસર બાંધકામ કરનારાએ બાજુની જ સરકારી જમીન પર કાનન વિલા નામની એક સાઈટ બનાવી હતી. તેણે કાનન વિલામાં 27 લોકોને દસ્તાવેજ પણ કરી આપ્યા હતા.
શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવ્યા
સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરાયેલ વ્હાઇટ હાઉસ નામે ઓળખાતા લક્ષ્મી નિવાસ નામના બંગલાને સ્વેચ્છાએ તોડી નાખવા માટે મામલતદાર કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી છે. તો તેની નજીક આવેલા કાનન વિલા સ્કીમમાં દસ્તાવેજો કરી લેનાર 27ને પણ નોટિસો આપી સ્વેચ્છાએ તોડી પાડવાની સૂચના આપી છે. વડોદરામાં ભૂમાફીયા સંજયસિંહ પરમારે દંતેશ્વર કસ્બાની વાઘોડિયા રોડ ડી માર્ટની પાછળ આવેલી 100 કરોડની કિંમતની સરકારી જમીન ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. આ જમીન ઉપર પોતાનો આલિશાન બંગલો ઉપરાંત ડુપ્લેક્ષની સ્કીમ પણ મૂકી હતી.
લેન્ડ ગ્રેબિંગ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરુ કર્યો
આ સ્કીમના ડુપ્લેક્ષના 27 લોકોને દસ્તાવેજો પણ કરી આપ્યા હતા. જે બાદ આ વ્હાઇટ હાઉસ અને કાનન વિલાની જમીન સરકારી હોવાનું સામે આવ્યું હતું. આ મામલો બહાર આવ્યા બાદ કલેક્ટર દ્વારા સુઓમોટો કરી ડે.કલેક્ટરને તપાસ સોંપી હતી. આ જમીન બાબતે પૂર્વ વિપક્ષી નેતાએ પણ કલેક્ટર, મુખ્યમંત્રી અને હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી. લેન્ડગ્રેબિંગ કમિટીના આદેશથી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. વડોદરાના વ્હાઈટ હાઉસની જમીનમાં લેન્ડ ગ્રેબિંગ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. ક્રાઇમ બ્રાંચે ભૂમાફીયા સંજયસિંહ પરમારની ધરપકડ કરી હતી.