બોટમાં મચ્છીને બદલે દારૂ- બિયર ભરીને દીવથી જાફરાબાદની ખેપ!
હવે દરિયાઇ માર્ગે દારૂની હેરાફેરી : પોલીસે દારૂ બિયર ભરેલી બોટને અધવચ્ચે આંતરીને નવાબંદરના દરિયામાંથી 5.11 લાખના જથ્થા સાથે 3 શખ્સને પકડી પાડયા
ઉના, : ઉના તાલુકાના નવા બંદર નજીકના દરિયામાંથી એલસીબીએ એક બોટને પકડી લઈ તપાસ કરતા તેમાં મચ્છી રાખવાની જગ્યાએ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 7.61 લાખના મુદામાલ સાથે ત્રણ શખ્સોને પકડી પૂછપરછ કરતા આ દારૂ દિવથી જાફરાબાદ તરફ લઈ જતા હોવાની કબૂલાત આપી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ તાજેતરમાં એહમદપુર માંડવી ચેકપોસ્ટ પર એસીબીની રેડ બાદ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આથી બુટલેગરોએ દરિયાઇ માર્ગે દારૂની હેરાફેરી શરૂ કરી છે. દીવ તરફથી દરિયાઇ માર્ગે દારૂ ભરેલી બોટ નીકળી હોવાની બાતમીના આધારે ગીરસોમનાથ એલસીબી પી.આઈ.એસ.એમ.ઇશરાણી સહિતના સ્ટાફે નવબંદર દરિયાકિનારે દિવાદાંડી પાછળના ત્રણ નોટિકલ માઈલ આસપાસથી એક બોટને પકડી નવા બંદર જેટી પાસે લાવી તેમાં તપાસ કરતા તેમાં મચ્છી રાખવાની જગ્યાએ દારૂ અને બિયર મળી આવ્યો હતો. ગણતરી કરતા બોટમાંથી 4.62લાખની કિંમતનો 5164 બોટલ દારૂ અને 48900 ની કિંમતના 489 ટીન બિયર મળ્યા હતા. પોલીસે કુલ 7.61 લાખનો મુદામાલ કબ્જે કરી મૂળ ધામળેજના અને હાલ નવા બંદરના ઇસ્માઇલ અબ્દુલા પટેલીયા, મયુર લક્ષ્મીચંદ કાપડીયા,ભરત લાખા સોલંકીને પકડી લીધા હતા. આ અંગે ઉના એ.એસ.પી જીતેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી મહેશ લાખા રાઠોડે દારૂ દિવથી મંગાવી ઇસ્માઇલ અબ્દુલ્લાની બોટમાં મયુર અને ભરતની મદદથી રાખ્યો હતો. પૂછપરછ દરમ્યાન આ શખ્સોએ દારૂ દરિયાઈ માર્ગે જાફરાબાદ દરિયાકિનારે લઈ જઈ ત્યાથી ફોન કર્યા બાદ દારૂ કોને આપવાનો છે એ અંગે મહેશ માહીતી આપવાનો હતો. પોલીસે જણાવ્યું હતું કે મહેશ પર અત્યાર સુધીમાં દસેક જેટલા દારૂના ગુના નોંધાયેલા છે. આમ, બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે દરિયાઇ માર્ગ પસંદ કર્યો છતાં પોલીસની ઝપટમાં આવી ગયા હતા.