અલંગમાં આવી રહેલા જહાજમાં જોખમી કચરો હોવાની સંભાવના, એજન્સીઓ સતર્ક
- કોરિયન ફ્લેગનું એલએનજી યોગ જહાજ આખરી સફરે અલંગ આવી રહ્યું છે
- સોમવાર અથવા મંગળવારે અલંગ પહોંચી રહેલા શિપનું જીપીસીબી દ્વારા ખાસ ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવશે
કોરિયન ફ્લેગના એલએનજી યોંગ નામના જહાજ પોતાની આખરી સફરે નિકળ્યું છે અને આગામી સોમવાર કે મંગલળાર સુધીમાં તે અલંગ માં ભાગાણાર્થે આવી પહોંચશે. જો કે, આ જહાજ અલંગ પહોંચે તે પૂર્વે જ તેના નામને લઈ વિવાદનો વંટોળ શરૂ થઈ ગયો છે. અલંગમાં આવી રહેલાં આ જહાજમાં પર્યાવરણના દ્રષ્ટિકોણથી જોખમી પદાર્થ હોવાની શંકાને પગલે જીએમબી, કસ્ટમ, જીપીસીબી સહિતની એજન્સીઓ સતર્ક થઈ છે. જહાજમાં ઈન્શુલેશન કરવા માટે પર્ટાઈલનો ઉપયોગ કરવામાં આવે છે. અલંગમાં આવનાર આ શિપમાં પર્ટાઈલનો જથ્થો હોવાની શક્યતા જોતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને શિપનું ઈન્સ્પેક્શન કરવા માટે ગુજરાત મેરિટાઈમ બોર્ડે જાણ કરી છે.
આ અંગે ભાવનગર સ્થિત જીપીસીબી ના પ્રદેશિક અધિકારી રાઠોડે જણાવ્યું હતું કે, જીપીસીબી દ્વારા અલંગમાં આવનાર તમામ શિપનું પર્યાવરણના દ્રષ્ટિકોણથી ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવે છે. આ જહાજમાં પર્ટાઈલનો જથ્થો હોવાની માહિતી મળી છે જેની પુષ્ટી કરવા માટે શિપ અલંગમાં આવશે ત્યારે અલગ-અલગ વિભાગીય અધિકારીઓને સાથે રાખી શિપનું ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિપમાં પર્ટાઈલનો જથ્થો મળી આવશે તો તે કેટલી માત્રામાં છે?, લૂઝ છે કે પેેકેજીંગમાં તેની ચકાસણી કરી જરૂરી ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અલંગમાં આવનાર એલએનજી યોંગ નામનું શિપ પહેલા એચએલ પ્યોંગટેકના નામે ઓળખાતું હતું. એચએલ પ્યોંગટેક શિપ પર્યાવરણના દ્રષ્ટિકોણથી જોખમી હોવાથી બાંગ્લાદેશના ઉદ્યોગ મંત્રાલય અને બાંગ્લાદેશ શિપ બ્રેકર્સ એન્ડ રિસાયકલર્સ એસોસિએશન દ્વારા એચએલ પ્યોંગટેક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે અલંગમાં આવવાનું છે ત્યારે જીપીસીબીના ઈન્સ્પેક્શન પર સૌની મીટ મંડાયેલી છે.