રાજકોટના એરપોર્ટનું હીરાસર ખાતે સ્થળાંતર, કાલથી ST બસ શરૂ થશે

Updated: Sep 9th, 2023


Google NewsGoogle News
રાજકોટના એરપોર્ટનું હીરાસર ખાતે સ્થળાંતર, કાલથી ST બસ શરૂ થશે 1 - image


રાજાશાહી વખતનું વિમાની મથક ખાલી કરાયું, અબજોની જમીન સરકારને  : નવા ઈન્ટરનેશનલ એરપોર્ટ વર્ષે 7 લાખ યાત્રિકોને પહોંચવું મોંઘુ પડશે, ST બસનું ભાડુ 100, ટેક્સી ભાડુ રૂ।. 2000

રાજકોટ, : રાજકોટમાં રાજાશાહી વખતથી ધમધમતું રેસકોર્સ પાસેના એરપોર્ટ ઉપર આજે રાત્રિના મુંબઈની છેલ્લી ફ્લાઈટના ઉડ્ડયન સાથે  આ વિમાનીમથકને કાયમ માટે બંધ કરી દેવાયું છે. સ્ટાફ અને સાધનોનું નવા હીરાસર એરપોર્ટ ખાતે સ્થળાંતરનો ધમધમાટ આજે શરૂ થયો હતો. નવા એરપોર્ટનું નામ 'રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ 'રહેશે જે રાજકોટથી 32 કિ.મી.(એક કલાકના અંતરે) દૂર છેે. નવા એરપોર્ટ જવા માટે તા.૧૦ને રવિવારથી એસ.ટી.ની ખાસ એ.સી.બસો શરૂ કરાશે.

આવતીકાલ તા. 9ના ઐતહાસિક એરપોર્ટ શીફ્ટીંગની કામગીરી માટે તમામ ફ્લાઈટની અવરજવર બંધ રખાશે અને તા. 10ના રવિવારથી તમામ ફ્લાઈટ હીરાસરથી જ ઉડાણ ભરશે અને ત્યાં જ ઉતરાણ કરશે.નવું એરપોર્ટ અધધધ રૂ।.૧૪૦૦ કરોડના ખર્ચે સાકાર થયું છે પરંતુ, મનપા કે રાજ્ય સરકારે  તેને આનુષંગિક અનિવાર્ય એવી બસ રેપીડ ટ્રાન્ઝીટ સીસ્ટમ ગોઠવી નથી ત્યારે એસ.ટી.તંત્રએ નવા એરપોર્ટ  જવા માટે ખાસ એ.સી.ઈલેક્ટ્રીક બસો, રાજકોટના ઢેબરરોડ પર આવેલા બસ પોર્ટથી તા.૧૦થી સવારે ૬,૮,૧૦,૧૨, બપોર પછી 1, 3, 5  અને 7 વાગ્યે ઉપડશે. અને આ જ બસ એરપોર્ટથી રાજકોટ આવવા માટે એક કલાક બાદના સમયથી ઉપડશે. 

પરંતુ, રાજકોટ બસ પોર્ટ ગીચ સ્થળે આવેલું છે અને ત્યાં જવા કરતા રેસકોર્સ એરપોર્ટ પહોંચવું સરળ હતું ત્યારે હવે વિમાની મુસાફરી રાજકોટવાસીઓ માટે પરોક્ષ રીતે વધુ ખર્ચાળ થશે. ઉપરાંત એરપોર્ટ સત્તાવાળાઓએ ત્યાં બે-પાંચ દિવસના વાહન પાર્કિંગ સહિતની કોઈ વ્યવસ્થા અંગે લોકોને માહિતી આપી નથી. ખાનગી ટેક્સી સંચાલકોએ તો રાજકોટથી હીરાસર સીંગલ ટ્રીપનું ભાડુ રૂ।.2000 નક્કી કર્યું છે. જ્યારે એસ.ટી.બસનું ભાડુ રૂ।. 100 સીંગલ ટ્રીપનું નક્કી કરાયું છે.  શહેરનું દાયકાઓ જુનુ એરપોર્ટ બંધ થવા સાથે તેની અબજો રૂ।.ની ખુલ્લી જમીન રાજ્ય સરકારને મળશે જેનું શુ કરવું તે માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલની રચના કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News