મંડપમાં પથ્થર ફેંકનાર છ બાળકો પૈકી એક 'શાતીર' છે, પોલીસને પણ ચકરાવે ચઢાવે છે
છ બાળકો પૈકી ચાર ફૂલવાડીના અને બે મુસીબતપુરાના છે : તમામ છેલ્લા ત્રણ મહિનાથી મદ્રેસામાં અભ્યાસ માટે જાય છે
મંડપમાં પથ્થર ફેંકતા ઝડપાયા બાદ જયારે બાળકોને એકીસાથે પોલીસ ચોકીમાં બેસાડયા ત્યારે 'શાતીર' બાળકે અન્ય બાળકોને શું કહેવાનું તે સમજાવી દીધું હતું
- છ બાળકો પૈકી ચાર ફૂલવાડીના અને બે મુસીબતપુરાના છે : તમામ છેલ્લા ત્રણ મહિનાથી મદ્રેસામાં અભ્યાસ માટે જાય છે
- મંડપમાં પથ્થર ફેંકતા ઝડપાયા બાદ જયારે બાળકોને એકીસાથે પોલીસ ચોકીમાં બેસાડયા ત્યારે 'શાતીર' બાળકે અન્ય બાળકોને શું કહેવાનું તે સમજાવી દીધું હતું
સુરત, : સુરતની શાંતિને ડહોળવાના પૂર્વયોજીત કાવતરાના ભાગરૂપે ગત રવિવારે રાત્રે શહેરના સૈયદપુરા વરીયાવી બજાર ખાતે ગણેશ મંડપમાં પથ્થર ફેંકવા આવેલા છ બાળકો પૈકી એક શાતીર છે અને તે પુછપરછમાં પોલીસને પણ ચકરાવે ચઢાવે છે.મંડપમાં પથ્થર ફેંકતા ઝડપાયા બાદ જયારે બાળકોને એકીસાથે પોલીસ ચોકીમાં બેસાડયા ત્યારે શાતીર બાળકે અન્ય બાળકોને શું કહેવાનું તે સમજાવી દીધું હોય હાલ પોલીસ પડદા પાછળના સુત્રધારોને શોધવા મથામણ કરી રહી છે.
સુરતની શાંતિને ડહોળવાના પૂર્વયોજીત કાવતરાના ભાગરૂપે શહેરના સૈયદપુરા વરીયાવી બજાર મેઈન રોડ ઘર નં.7/1475 ની સામે પ્રસ્થાપિત ગણેશજીના મંડપમાં ગત રવિવારે રાત્રે 9.30 વાગ્યાના અરસામાં એક રીક્ષા ( નં.જીજે-05-ટીટી-4433 ) માં બેસેલા છ થી આઠ બાળકો પૈકી કોઈ એક બાળકે મંડપમાં પથ્થર ફેંકતા ગણપતિની મૂર્તિ સાથે રાખેલા ઢોલકને નુકશાન થયું હતું.ત્યાં હાજર લોકોએ રીક્ષામાં આવેલા બાળકોને ઝડપી લીધા હતા અને તમામને નજીકની સૈયદપુરા ચોકી ઉપર લઇ ગયા હતા.ત્યાર બાદ સર્જાયેલી પરિસ્થિતિને લીધે કોમી તોફાન થયા હતા.આ ઘટનામાં પોલીસે મંડપ પર પથ્થરમારો કરનાર છ બાળકો રીક્ષામાં પોણા કિલોમીટર દૂરથી કેમ આવ્યા તે અંગે તેમની તેમજ તેમના માતાપિતાની પુછપરછ કરી હતી.ગતવર્ષે પણ ગણેશ વિસર્જનના દિવસે બાળકોએ જ અહીં પથ્થરમારો કર્યો હતો અને બે દિવસ અગાઉ પણ આવી ઘટનાનું પુનરાવર્તન થયું હતું.આથી તેમને હાથો બનાવી કોઈ મોટા કાવતરાને અંજામ આપી રહ્યા હોવાની આશંકા સાથે પોલીસ તેમની પુછપરછ કરી હતી.
જોકે, જે બાળકો પથ્થર ફેંકવા આવ્યા હતા તે પૈકી એક બાળક ખુબ જ શાતીર હોવાનું અને તે તમામનો લીડર હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.છ બાળકો પૈકી ચાર ફૂલવાડીના અને બે મુસીબતપુરાના છે અને તમામ છેલ્લા ત્રણ મહિનાથી મદ્રેસામાં અભ્યાસ માટે જતા હોય પોલીસે તેમની જયારે પુછપરછ કરી ત્યારે તેમણે અને ખાસ કરીને તેમના લીડર જેવા લાગતા બાળકે પોલીસને ચકરાવે ચઢાવી હતી.તેણે તેમને મોકલનારાઓ તરીકે જેમના નામ આપ્યા તેની પોલીસે તપાસ કરી તો તેઓ કોઈ રીતે આ ઘટના સાથે સંકળાયેલા નહોતા.કલાકોની દોડધામ કરાવી પોલીસને ચકરાવે ચઢાવનાર તે બાળકે જ મંડપમાં પથ્થર ફેંકતા ઝડપાયા બાદ જયારે બાળકોને એકીસાથે પોલીસ ચોકીમાં બેસાડયા હતા ત્યારે અન્ય બાળકોને શું કહેવાનું તે સમજાવી દીધું હતું.આથી હાલ પોલીસ પડદા પાછળના સુત્રધારોને શોધવા મથામણ કરી રહી છે.