શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ, નવાજૂની થવાના એંઘાણ
Shankarsinh Vaghela-Amit Shah Meeting : ગુજરાતમાં રાજકારણના બે મોટા નેતાઓ વચ્ચે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક યોજાતાં ગુજરાતના રાજકારણમાં કંઈક નવાજૂની થવાના એંઘાણ જોવા મળી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની ચર્ચાએ રાજકીય વર્તુળમાં જોર પકડ્યું છે. જો કે શંકરસિંહ વાઘેલાએ ઔપચારિક બેઠક હોવાનું જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી રાજકારણ અને સમાચારોથી દૂર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. આજે ગાંધીનગર ખાતે આવેલા સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મીટિંગ યોજાઈ હતી.
આ મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલની ચર્ચાઓ થઈ રહી છે. આ મુલાકાતને મોટા રાજકીય ફેરફારના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં સ્તન-ગર્ભાશયના કેન્સરથી રોજ 16 મહિલાનાં મોત, આરોગ્ય વિભાગના ચોંકાવનારા આંકડા
મુલાકાતને લઈને શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ‘આ માત્ર એક શિષ્ટાચાર મુકાલાત હતી, અમે સાથે મળીને ચા-પાણી કર્યા અને ઘણી વાતો કરી હતી. હું દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દીની ચર્ચા કરવા ગયો હતો.’
જો કે આ બેઠક બાદ શંકરસિંહ વાઘેલાના પુત્ર ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ પણ શરુ થઈ ગઈ છે, પરંતુ આ અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી.