કોવિશીલ્ડ વેક્સિનને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું, શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર પર આકરા પ્રહાર
Lok Sabha Elections 2024: કોરોના સામે રક્ષણ મેળવવા માટે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સિન ભારત સહિત અનેક દેશમાં કોવિશીલ્ડ તથા વેક્સજેવકિયા બ્રાન્ડના નામે વેચવામાં આવી હતી. આ વેક્સિન બનાવનારી બ્રિટનની એસ્ટ્રાઝેનેકા કંપનીએ યુનાઇટેડ કિંગડમની હાઇકોર્ટમાં સ્વીકાર કર્યો છે કે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિનની રસીમાં આડઅસર છે. હવે આ મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.
શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર પ્રહાર
એક તરફ જ્યાં ગુજરાતમાં આગામી સાતમી મેએ લોકસભાના ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે રાજ્યમાં કોરોના વેક્સિનનો મુદ્દે રાજકારણ ગરમાયું છે. આજે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વેક્સિન મામલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે પ્રત્રકાર પરિષદ કરીને કહ્યું હતું કે 'રાજ્યમાં જ્યારે હાર્ટએટેક, બ્રેઈન સ્ટ્રોકથી હરતો ફરતો માણસ મૃત્યું થાય, ડાયાલિસિસ કરાવવું પડે અને કિડનીઓ ફેલ થવા માંડી અને જ્યારે આંકડાઓ વધ્યા ત્યારે મે સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ આ મામલે કેન્દ્ર સરકારનું પેટનું પાણી પણ ન હલ્યું અને મારી વાતને ગંભીરતાથી લીધી ન હતી.'
વેક્સિન આપ્યા બાદ સરકારે ડેટા એકત્ર ન કર્યા શક્તિસિંહ ગોહિલ
આ ઉપરાંત વેક્સિન બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકા વિશે વાત કરતા કહ્યું હતું કે 'દુનિયાના રોગોની ચિંતા કરતી સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ વર્ષ 2019માં જ કહ્યું હતું કે આ ઝડપથી બનેલી વેક્સિનની ચિંતા કરજો. આ ઉપરાંત સરકારે વેક્સિન આપ્યા બાદ ડેટા એકત્ર કર્યા ન હતા. તેમજ કોઈપણ પ્રકારનું સર્વેલંસ કરવામાં આવ્યું ન હતું. ભારતમાં 205 કરોડ લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવામાં આવ્યા હતા. આ ડોઝ પ્રેશર કરીને અપાતા હતા અને ક્રેડિટ ભાજપ લઈ જતી હતી.'
ગુજરાત કોંગ્રેસના પ્રમુખે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા
ગુજરાત કોંગ્રેસ પ્રમુખે વધુમાં કહ્યું હતું કે 'આ વેક્સિન મફત ન હતી પણ પ્રજાની તિજોરીમાંથી કરોડો રૂપિયા આ વેક્સિન બનાવનારને ચૂકવાયા હતા. આ કોઈ પોલિટિકલ પાર્ટીના રૂપિયા ન હતા પણ લોકોના રૂપિયા હતા. શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે 'ભારત સરકારની પોતાની સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CRI) હોવા છતાં સીરમ ઇન્સ્ટિટ્યુટ જેવી પ્રાઈવેટ કંપનીને વેક્સિન બનાવવાનું કામ શા માટે આપવામાં આપ્યું હતું.
એસ્ટ્રાઝેનેકા હાઈકોર્ટમાં વેક્સિનની આડઅસરનો સ્વીકાર કર્યો
અગાઉ કોરોના (Corona)ની દવા બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા (AstraZeneca)એ પહેલીવાર સ્વીકાર્ય કર્યો હતો કે તેની કોવિડ-19 (Cvid-19) વેક્સીનથી ગંભીર આડઅસર થઈ શકે છે. કંપનીએ યુનાઈટેડ કિંગડમ (UK) હાઈકોર્ટમાં સ્વીકાર્યું હતું કે કોવિડ-19 રસી થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) જેવી આડ અસરોનું કારણ બની શકે છે.