'250 કરોડની સંપત્તિ માત્ર 37 કરોડમાં વેચી દેવાઈ', શક્તિસિંહ ગોહિલે આ સહકારી મંડળીમાં કૌભાંડ થયાનો કર્યો દાવો
Mandvi Cooperative Society Property Sold : સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલી માંડવી સુગર સહકારી મંડળીની 100 વીઘા જમીન મશીનરી પ્લાન્ટ સહિત 250 કરોડની મિલકત 37 કરોડમાં પ્રાઇવેટ કંપનીને પધરાવવાનો દાવો કરાઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેને કૌભાંડ ગણાવ્યું છે અને તેની તપાસની માંગ કરી છે. આ અંગે શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ પણ કરી છે. આ સમગ્ર કૌભાંડમાં CBI તપાસની માંગ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરી હતી.
'250 કરોડના મૂલ્યની સંપત્તિ 37 કરોડમાં આપી દેવાનું કૌભાંડ'
શક્તિસિંહ ગોહિલે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, 'દક્ષિણ ગુજરાતના માંડવી ખાતે આવેલી માંડવી સુગર સહકારી મંડળીની સંપત્તિ 100 વિઘા જમીન, મશિનરી, પ્લાન્ટ સહિતની 250 કરોડની મિલ્કતો છે, જેને માત્ર 37 કરોડ રૂપિયામાં પધરાવી દેવાનું કૌભાંડ કરાઈ રહ્યું છે. મંડળીમાં પંચાવન હજાર સભાસદોનું સભાપદ છે. આ મંડળીમાં ખેડૂતોના 26 કરોડ અને સરકારના 20.5 કરોડ રૂપિયા છે. બેંકે 37 કરોડમાં પધરાવવાનો પ્લાન કર્યો તે બેંકે લોન આપતા પહેલા જમીનોનું વેલ્યુએશન કરાવવામાં આવ્યુ હતું. જેમાં બેંકના વેલ્યુએશન પ્રમાણે મંડળીની મિલકતોનું મૂલ્ય 250 કરોડ હતું. સરફેસી એક્ટ હેઠળ સહકારી મંડળીની મિલકતો કોઈપણ સંજોગોમાં વેચી શકાય નહિ.' ત્યારે બેંકે જે હરરાજી કરી છે તે માટે કલેકટર કે રાજ્ય સરકારે મંજૂરી આપી છે? તેની તપાસની માંગ શક્તિસિંહે કરી હતી.
દક્ષિણ ગુજરાતના માંડવી ખાતે આવેલી માંડવી સુગર સહકારી મંડળીની 250 કરોડની મિલકત માત્ર 37 કરોડમાં પ્રાઇવેટ કંપનીને પધરાવી દેવાનુ ષડયંત્ર બહાર આવેલ છે . પંચાવન હજાર સભાસદ ધરાવતી માંડવી મંડળીની મિલકતો સાડત્રીસ કરોડમાં પ્રાઇવેટ કંપનીને આપી દેવાના સંપૂર્ણ ભષ્ટ્રાચારની વિગત આ વીડિયોમાં… pic.twitter.com/Qs7a8D1oVH
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) September 22, 2024
'...તો મંડળીને ફડચામાં લઈ જવી પડે, બેંક કેવી રીતે હરરાજી કરી શકે?'
શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, મંડળીના કાયદા મુજબ કોઈ આર્થિક મુશ્કેલીની સ્થિતિ ઉભી થાય તો મંડળીને ફડચામાં લઈ જવી પડે. સરફેસી એક્ટમાં બેંક સીધી હરરાજી કેવી રીતે કરી શકે. ખેડૂતોના હિત માટે આજ સુધી ગુજરાતમાં સહકારી ખાંડના ઉદ્યોગમાં પ્રાઇવેટ કંપનીને ઘુસવા નથી દીધી. કોઈપણ પ્રાઇવેટ કંપનીએ સુગર ફેક્ટ્રી શરૂ કરવી હોય તો આઈઈએમનું લાયસન્સ લેવું પડે. આજે જુન્નર નામની કંપનીને મંડળી પધરાવીએ છીએ, પરંતુ તેની પાસે લાયસન્સ નથી.