સુરતના શૈલેશભાઇ ઘોડા પર કુદરતી સૌંદર્ય માણતા હતા ત્યારે અચાનક ગોળીબાર થયો અને...
Pahalgam Terror Attack : કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આંતકવાદી હુમલામાં મુળ સુરતના પણ મુંબઇમાં રહેતા કળથીયા પરિવારના ચાર સભ્યો પૈકી મોભી એવા 44 વર્ષીય શૈલેશ કળથીયાને ગોળી વાગતા મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. જયારે તેમની પત્ની અને પુત્રી- પુત્રનો બચાવ થયો હતો. સુરતમાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઇ ગઇ છે.
શૈલેશભાઇ પત્ની અને બે સંતાન સાથે ઘોડા પર કુદરતી સૌંદર્ય માણતા હતા ત્યારે ધડાધડ ગોળીબાર થયો
પૃથ્વીનું સ્વર્ગ ગણાતા કાશ્મીરના પહેલગામમાં થયેલા આંતકવાદી હુમલાની ઘટના અંગે મળેલી માહિતી મુજબ મુળ સુરતના વરાછાના ચીકુવાડી વિસ્તારની હરીકુંજ સોસાયટીના વતની અને મુંબઇમાં જ રહેતા અને મુંબઇની એસબીઆઇ બેન્કમાં નોકરી કરતા 44 વર્ષીય શૈલેશભાઇ હિંમત કળથીયા તેમની પત્ની શિતલ કળથીયા, પુત્રી નીતિ, અને પુત્ર નક્ષ સાથે મુંબઇથી કાશ્મીર ફરવા માટે ગયા હતા. દરમ્યાન શ્રીનગરથી પહેલગામ ફરવા ગયા હતા અને વિવિધ જગ્યાએ ફરીને મંગળવારે તેઓ ત્યાંના મીની સ્વીત્ઝરલેન્ડ ગણાતા સરનવેલીમાં પહેલગામથી ઘોડા પર બેસીને કુદરતના સૌદર્યને નિહાળતા હતા.
આ પણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલામાં પિતા-પુત્ર સહિત 3 ગુજરાતીના મોત, આજે કાશ્મીર બંધનું એલાન
ત્યારે અચાનક આંતકવાદીઓ દ્વારા ધડાધડ ગોળીબાર કરાતા કળથીયા પરિવારના ચાર સભ્યોમાંથી મોભી એવા શૈલેશભાઇને ગોળી વાગતા મૃત્યુ થયાના સમાચાર મળ્યા છે. પરિવારના અન્ય સભ્યો સહી સલામત છે. તેમને ત્યાંથી હોટલમાં લઇ આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. આતંકવાદી હુમલામાં શૈલેશભાઇના મોતના સમાચાર સુરત રહેતા તેમના સબંધીઓમાં પહોંચતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે. સુરત રહેતા તેમના કઝીન ભાઇ મયુરભાઇના મોટાવરાછા ખાતે આવેલા કસ્તુરી બંગલામાં સૌ ભેગા થયા હતા. બાદમાં મયુરભાઇ વાયા અમદાવાદ થઇને કાશ્મીર જવા રવાના થયા હતા.
આ અંગે સુરત જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધીને સ્ટેટ કંટ્રોલમાંથી જાણ થતા અધિક કલેકટર વિજય રબારી અને સીટી પ્રાંત ઓફિસર વિક્રમ ભંડારીને જરૂરી સુચનાઓ આપીને તેમના ભાઇને તમામ મદદ કરવા આદેશ આપ્યો હતો. કલેકટરનું તંત્ર હાલ તેમના ભાઇ સાથે સંર્પકમાં હોવાનું જાણવા મળ્યુ છે.