સોમનાથમાં એન્ટ્રી ગેટથી છેક મંદિર સુધી દર્શનાર્થીઓ માટે છાંયાની સુવિધા
ઉનાળામાં શિવભક્તોને ખુલ્લા પગે પગ ન બળે, ગરમી ન લાગે તે માટે સફેદ તાડપત્રીના પેગોડા શંકુ આકારના તંબુની મંદિર સુધી હારમાળા અને ગ્રીન નેટની વ્યવસ્થા કરાઈ
પ્રભાસપાટણ, : સમગ્ર રાજય હાલ કાળઝાળ ગરમીમાં સેકાઈ રહ્યું છે ત્યારે દેશ વિદેશથી સોમનાથ મહાદેવ મંદિરે આવતા યાત્રિકો અને દર્શનાર્થીઓ માટે તડકાથી રાહત મળે તેવી સુવિધાઓ ગોઠવી મંદિર તંત્ર સજ્જ બન્યું છે. સોમનાથ મંદિર દર્શનાર્થી એન્ટ્રી ગેટથી છેક મંદિર સુધી સફેદ તાડપત્રીના પેગોડા એટલે કે શંકુ આકાર તંબુઓની હારમાળા સળંગ ગોઠવી દેવાઈ છે. જે સળંગ હારમાળા દર્શનાર્થી મંદિરમાંથી દર્શન કરી છેક બહાર નીકળે ત્યાં સુધી છાયા તંબુઓ લગાવાયા છે. તે ઉપરાંત સોમનાથ મંદિરમાં લોકો દર્શન કરે છે તે દર્શન મંડપમાં એ.સી. કાર્યરત છે જેથી ઠંડક સાથે ગરમીમાં રાહત મળે છે. મંદિર પરિસરમાં પીવાના પાણીના પોઈન્ટ કાર્યરત છે. અને દર્શનાર્થીને તદઉપરાંત દિગ્વિજય દ્વાર પાસે આવેલ જુતાઘર સુધી છાયાની વ્યવસ્થા છે જેથી નિયત જુતાઘર ખાતે પોતાના બુટ ચંપલ જમા કરાવી શકે છે. સોમનાથ મંદિરના અંદર-બહાર ગરમીમાં પગ ન તપે માટે કારપેટ પટ્ટાઓ પણ બીછાવાયેલા છે.