ગુજરાત પર માવઠાંની સિસ્ટમ મંદ પડતા તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું
રાજકોટ : માવઠાં વરસાવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતની સીસ્ટમ મંદ પડી છે, આજે ગુજરાતથી ઉત્તર પંજાબ સુધી ટ્રોફ અને તેના પગલે હરિયાણા અને રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન જારી રહ્યું છે પરંતુ, ગુજરાતમાં હવે સુકુ અને સૂર્યપ્રકાશિત હવામાન રહેવાની આગાહી સાથે આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩થી ૪ સે.તાપમાન ગગડતા તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું અને હજુ વધુ ઠંડી પડવાની આગાહી થઈ છે.
આજે નલિયામાં એક રાતમાં તાપમાનનો પારો સડસડાટ ૬ સે. ગગડીને
૪.૨ સે. સાથે કાતિલ ટાઢનું સામ્રાજ્ય છવાયું હતું જ્યારે રાજકોટ, કેશોદ અને ભૂજમાં
પણ ૨થી ૩ સે.તાપમાન ઘટીને પારો સીંગલ ડીજીટમાં ૯.૭ સે.એ પહોંચી ગયો હતો. ઉપરાંત
પોરબંદરમાં ગઈકાલે ૧૬.૪ સે.થી ઘટીને ૧૧.૪ સે., અને એ રીતે દરેક
સ્થળે તાપમાન નોંધપાત્ર ઘટયું હતું અને સુરેન્દ્રનગર ૧૩, દ્વારકા ૧૪.૬, વરાવળ, ૧૫, દિવ, મહુવા અને
ભાવનગરમાં ૧૫.૬ સે. સાથે દરિયાકિનારાના વિસ્તારોમાં પણ ઠંડી વધી હતી. જ્યારે
દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આંશિક ઘટાડા સાથે અમદાવાદ, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગરમાં
૧૬થી ૧૭ સે., સુરત, વડોદરામાં ૧૮ સે.
તાપમાન રહ્યું હતું.
આ તાપમાનમાં અન્ય રાજ્યોની સાથે ગુજરાતમાં પણ ૨થી ૬ સે.નો
ઘટાડો થવાની શક્યતા સાથે વર્ષની વિદાય અને આંરભના કાળમાં કાતિલ ઠંડીના અણસાર મળી
રહ્યા છે. ઠંડીમાં હાલ રૃમ હીટરથી માંડીને તાપણાનો ઠેરઠેર ઉપયોગ થઈ રહ્યો છે જે
અંગે તબીબોેએ આવા સ્થળે હવાની અવરજવર અચૂક રહે તે જોવા ભારપૂર્વક અપીલ કરી છે.
તેમજ બને ત્યાં સુધી ઠંડીમાં બહાર નીકળવાનું ટાળવા અને આરોગ્ય જાળવવા ઠંડી ન લાગે તેનું
ધ્યાન રાખવા પણ સલાહ અપાઈ છે.
મૌસમ વિભાગ અનુસાર જમ્મુ કાશ્મીર ઉપર સાયક્લોનિક
સર્ક્યુલેશન સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ જારી રહી હતી અને હજુ ઉપરાઉપરી બે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલય ક્ષેત્રે ઉપર તા.૧થી ૬ જાન્યુઆરી દરમિયાન
ત્રાટકશે જેના પગલે બરફવર્ષા,વરસાદની
આગાહી છે અને તેની અસર સાથે ગુજરાતમાં બુધવારથી શરુ થતા નવા વર્ષ ઈ.સ.૨૦૨૫ના
આરંભમાં કાતિલ ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે.
ઉપરાંત, રાજસ્થાન,પંજાબ સહિત તા.૩૦ સુધી ગાઢ ધુમ્મસની ચાદર રાત્રિથી સવાર દરમિયાન સર્જાવાની કે જેના કારણે વાહન વ્યવહારને માઠી અસર પડે તેની આગાહી છે તો ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ સહિત રાજ્યોમાં પણ ધુમ્મસનું એલર્ટ જારી કરાયું છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં તીવ્ર ઠંડીના મોજા સાથે ગ્રાઉન્ડ ફ્રોસ્ટની ચેતવણી છે.