Get The App

ફુલપાડામાં ગેસ લીકેજ બાદ ફ્લેશ ફાયરથી સાત યુવાન દાઝી ગયા, ચારની હાલત ગંભીર

જરીના કારખાનમાં નોકરી કરતા પરપ્રાંતીય યુવાનો ટિફિન બનાવવા રસોઈની તૈયારી કરતા હતા, લીકેજને સ્પાર્ક મળતા દુર્ઘટના

શરૂઆતમાં લોકોને સિલિન્ડર બ્લાસ્ટ થયો હોય તેમ લાગ્યું : ત્રણ યુવાન બહાર હોય બચી ગયા

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
ફુલપાડામાં ગેસ લીકેજ બાદ ફ્લેશ ફાયરથી સાત યુવાન દાઝી ગયા, ચારની હાલત ગંભીર 1 - image


- જરીના કારખાનમાં નોકરી કરતા પરપ્રાંતીય યુવાનો ટિફિન બનાવવા રસોઈની તૈયારી કરતા હતા, લીકેજને સ્પાર્ક મળતા દુર્ઘટના

- શરૂઆતમાં લોકોને સિલિન્ડર બ્લાસ્ટ થયો હોય તેમ લાગ્યું : ત્રણ યુવાન બહાર હોય બચી ગયા


સુરત, : સુરતના ફુલપાડા અશ્વનીકુમાર રોડ બેન્ક ઓફ બરોડાની સામે ક્રિષ્ણા કોમ્પલેક્ષમાં એક રૂમમાં રહેતા અને જરીના કારખાનમાં નોકરી કરતા પરપ્રાંતીય યુવાનો આજે વહેલી સવારે ટિફિન બનાવવા રસોઈની તૈયારી કરતા હતા ત્યારે ગેસ લીકેજને પગલે એકત્ર થયેલા ગેસને સ્પાર્ક મળતા આગ ફાટી નીકળી હતી.ધડાકાભેર લાગેલી આગમાં ત્યાં હાજર સાત યુવાનો દાઝી જતા તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ અને બાદમાં કિરણ હોસ્પિટલમાં ખસેડાયા હતા.તે પૈકી ચાર યુવાનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ અંગે ફાયરબ્રિગેડના સૂત્રો તેમજ સ્મીમેર હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ફુલપાડા અશ્વનીકુમાર રોડ બેન્ક ઓફ બરોડાની સામે ક્રિષ્ણા કોમ્પલેક્ષના બીજા માળે એક રૂમમાં કેટલાક પરપ્રાંતીય યુવાનો ભાડેથી રહે છે અને જરીના કારખાનામાં નોકરી કરે છે.આજે વહેલી સવારે નોકરી ઉપર જતા પહેલા યુવાનો તેમનું ટિફિન બનાવવા રસોઈની તૈયારી કરતા હતા તે સમયે ગેસ લીકેજને પગલે એકત્ર થયેલા ગેસને સ્પાર્ક મળતા ધડાકાભેર આગ ફાટી નીકળી હતી.ત્યાં હાજર 16 થી 29 વર્ષના સાત યુવાનો આગની લપેટમાં આવતા બચવા માટે બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી.ઘટનાની જાણ થતા કતારગામ, કાપોદ્રા અને ડભોલી ફાયર સ્ટેશનના અધિકારીઓ અને લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવી દાઝેલા યુવાનોને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયા હતા.

જોકે, મોટાભાગના યુવાનો શરીરના ભાગે, માથાના ભાગે અને બંને હાથ-પગે દાઝી ગયા હોય તેમને વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.ત્યાં ચાર યુવાનોની સ્થિતી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.આગ લાગી તે પહેલા થયેલો ધડાકો એટલો જોરદાર હતો કે આખા બિલ્ડીંગમાં અને આજુબાજુના રહીશોને સિલિન્ડ બ્લાસ્ટ થયો હોય તેમ લાગ્યું હતું.ધડાકાને લીધે રૂમના બારીના કાચ પણ તૂટી ગયા હતા.બનાવની જાણ થતા દોડી ગયેલી કતારગામ પોલીસે ત્યાંથી રસોઈમાં ઉપયોગમાં લેવાતા ત્રણ સિલિન્ડર પણ કબજે કર્યા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં રૂમમાં 10 યુવાનો રહેતા હોવાનું અને આગ લાગી ત્યારે ત્રણ યુવાનો બહાર ગયા હોય બચી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.આગને લીધે યુવાનોની ઘરવખરી અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો.


ફુલપાડામાં ગેસ લીકેજ બાદ ફ્લેશ ફાયરથી સાત યુવાન દાઝી ગયા, ચારની હાલત ગંભીર 2 - image

આ યુવાનો 100 ટકા સુધી દાઝી ગયા

(1) આનંદકુમાર લક્ષ્મણ પાસવાન ( ઉ.વ.29 ) ( 75 ટકા દાઝી ગયો )
(2) પ્રદ્યુમન પંચુભાઈ પાસવાન ( ઉ.વ.20 ) ( 60 થી 65 ટકા દાઝી ગયો )
(3) સાગર જયકાંત પાસવાન ( ઉ.વ.18 ) ( 10 ટકા દાઝી ગયો )
(4) મિથુન મોહન પાસવાન ( ઉ.વ.28 ) ( 95 થી 100 ટકા દાઝી ગયો )
(5) પ્રીતમકુમાર જેવકાંત પાસવાન ( ઉ.વ.16 ) ( 50 ટકા દાઝી ગયો )
(6) બલરામ લક્ષ્મણ પાસવાન ( ઉ.વ.28 ) ( 60 થી 65 ટકા દાઝી ગયો )
(7) બાદલ ઉપેન્દ્ર પાસવાન ( ઉ.વ.16 ) ( 75 ટકા દાઝી ગયો )


Google NewsGoogle News