વડોદરામાં સેનાની સાત ટુકડીઓને બચાવ કામગીરી સોંપાઈ
વડોદરામાં પૂરની સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બચાવ કામગીરી માટે હવે ભારતીય સેનાને પણ ઉતારી દેવામાં આવી છે. સાથે સાથે જરુર પડે તો એરફોર્સના હેલિકોપ્ટરોની પણ મદદ લેવાની યોજના બનાવાઈ છે.
ગઈકાલથી શરૂ થયેલા રેસ્ક્યુ દરમિયાન 2 હજારથી વધુ લોકોને બોટમાં બહાર કાઢવામાં આવ્યા છે. વડોદરામાં વિશ્વામિત્રીના પૂરે ચારે બાજુથી ભરડો લેતા પૂરની અત્યંત ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે અને હજારો લોકો મકાનના બીજા માળે તેમજ ટેરેસ પર અટવાયા છે. વડોદરા ફાયર બ્રિગેડની 12 બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એનડીઆરએફ, એસડીઆર એફની બે ટીમો બોટ મારફતે રેસ્ક્યુમાં જોડાઈ છે.
વડોદરામાં ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની સાથે સાથે હવે આર્મી પણ રાહત કામગીરી કરી રહી છે. તંત્રના જણાવ્યા અનુસાર અત્યારે વડોદરામાં આર્મીની કુલ 7 ટીમો, એનડીઆરએફની પાંચ અને એસડીઆરએફની 6 ટીમો વડોદરાના લોકોની મદદે આવી છે.
વડોદરા જિલ્લામાં રેસ્ક્યૂની કામગીરી માટે આર્મીની વધુ ત્રણ ટીમો ફાળવવામાં આવી છે.પૂરની સ્થિતિને જોતા હવે રાજ્ય સરકાર વધારે ને વધારે મદદ વડોદરાને પહોંચાડે તેમ લાગી રહ્યું છે.