મોબાઈલ, ઈયરપોડના 4.21 લાખના સાત પાર્સલમાં ડુપ્લીકેટ મૂકી રીટર્ન કર્યા
ઈન્સ્ટાકાર્ટના ડિલિવરી બોયનું કારસ્તાન
ડિલિવરી સેન્ટરમાંથી રૂ.1.98 લાખના મોબાઈલ ફોનના પાંચ પાર્સલ ગુમ થવા પાછળ પણ ડિલિવરી બોયની સંડોવણીની આશંકા
- ઈન્સ્ટાકાર્ટના ડિલિવરી બોયનું કારસ્તાન
- ડિલિવરી સેન્ટરમાંથી રૂ.1.98 લાખના મોબાઈલ ફોનના પાંચ પાર્સલ ગુમ થવા પાછળ પણ ડિલિવરી બોયની સંડોવણીની આશંકા
સુરત, : સુરતના ડભોલી ગામ સ્થિત ઈન્સ્ટાકાર્ટ સર્વિસ પ્રા.લી ના ડિલિવરી હબમાં પોણા બે મહિના અગાઉ જ ટ્રાન્સફર થયેલા ડિલિવરી બોયે મોબાઈલ અને ઈયરપોડના સાત પાર્સલમાં વસ્તુ બદલી તેમાં ડુપ્લીકેટ અને હલકી ગુણવત્તાની વસ્તુ મૂકી પરત કરી રૂ.4.21 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.ડિલિવરી સેન્ટરમાંથી રૂ.1.98 લાખના મોબાઈલ ફોનના પાંચ પાર્સલ ગુમ થવા પાછળ પણ ડિલિવરી બોયની સંડોવણીની આશંકા મેનેજરે વ્યક્ત કરતા સિંગણપોર પોલીસે ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ફ્લિપકાર્ટ, મિયંત્રા, નાપતોલ કંપની માટે ઓનલાઈન ઓર્ડરની ડિલિવરીનું કામ કરતી ઈન્સ્ટાકાર્ટ સર્વિસ પ્રા.લી ના સુરત રેલવે સ્ટેશન ઈન્ફીનીટી ટાવર સ્થિત ડિલિવરી હબમાં ગત 23 ઓગષ્ટના રોજ ડિલિવરી બોય તરીકે નોકરીએ જોડાયેલા રોહીત અમોલખ રામચંદાની ( રહે.જવાહર રોડ, માનસરોવર સ્કીમ, ઇપીએફ ઓફીસની બાજુમાં, જોધપુર, રાજસ્થાન ) ને ડભોલી ગામ હેની આર્કેડ સ્થિત કંપનીના ડિલિવરી હબમાં ટ્રાન્સફર આપવામાં આવી હતી.ગત 3 થી 20 સપ્ટેમ્બર દરમિયાન રોહીતને રૂ.4,21,095 ની મત્તાના મોબાઈલ ફોન,ઈયરપોડ અને સ્માર્ટવોચના સાત પાર્સલ ડિલિવરી માટે આપ્યા હતા.જોકે, તમામ પાર્સલ રોહીતે પેકીંગ હાલતમાં અલગ અલગ તારીખે ડિલિવરી હબમાં પરત કર્યા હતા.
ડિલિવરી હબના મેનેજર મિતીનભાઇ કૌશીકભાઇ ગોહીલ ( ઉ.વ.36, રહે.ઘર નં.26/02, નવી વસાહત, નવી સિવીલ હોસ્પીટલની સામે, ભરૂચ ) એ ફ્લિપકાર્ટ વેર હાઉસમાં પરત મોકલી આપ્યાના બીજા દિવસથી રોહીતે નોકરી પર આવવાનું બંધ કરી દીધું હતું.ત્યાર બાદ ફ્લિપકાર્ટ કંપનીએ પાર્સલમાં વસ્તુ ડુપ્લીકેટ અને હલકી ગુણવત્તાની હોવાની જાણ કરતા મિતીનભાઈએ રોહીતને ફોન કર્યો તો તેણે મારા ઘરે ઈમરજન્સીને લીધે જોધપુર આવ્યો છું, અઠવાડીયા પછી આવીશ તેમ કહ્યું હતું.ત્યાર બાદ મિતીનભાઈએ ડિલિવરી હબમાં ચેક કરતા રૂ.1,97,858 ની મત્તાના મોબાઈલ ફોનના પાંચ પાર્સલ ગુમ હતા.તે પાછળ પણ ડિલિવરી બોયની સંડોવણીની આશંકાને પગલે મિતીનભાઈએ તેને અવારનવાર ફોન કર્યો હતો પણ તે ફોન ઉપાડતો ન હોય છેવટે મિતીનભાઈએ તેના વિરુદ્ધ ગતરોજ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.