વ્યાજ અને દંડની માફી મેળવીને વિવાદિત કરની રકમ ચૂકવી બાકી કરના વિવાદોનું સમાધાન થઇ શકે
આવકવેરા ખાતુ અને ટેક્સ સલાહકારો દ્વારા વિવાદ સે વિશ્વાસ યોજના વિશે સેમિનાર
વડોદરા, તા.23 વિવાદ સે વિશ્વાસ યોજના-૨૦૨૪ બાકી કર વિવાદિત રકમ નહીં ભરનાર કરદાતાઓને રાહત આપવા માટે કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫માં જાહેર કરવામાં આવી હતી. જે સંદર્ભે કરદાતાઓને સમજ આપવા એક સેમિનારનું આયોજન કરાયું હતું.
સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસ અને આવકવેરા વિભાગ દ્વારા યોજિત આ સેમિનારમાં વકતાઓએ કહ્યું કે કરદાતાઓને માત્ર વિવાદિત કરની રકમ ચૂકવીને વ્યાજ અને દંડની માફી મેળવીને તેમના બાકી કર વિવાદોનું સમાધાન કરવાની એક વખતની તક આપે છે. યોજનાનો હેતુ વિવાદો ઘટાડવાનો અને કરદાતાઓને રાહત આપવાનો છે.
આ સેમિનારમાં ઇન્કમ ટેક્સના પ્રિન્સિપલ કમિશનર ડો. ભાવના યશરોય, સહાયક કમિશનર નવીનકુમાર સિન્હા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ અને સેન્ટ્રલ ગુજરાત ચેમ્બરના એમેરિટસ પ્રમુખ ભાસ્કર બી. પટેલે આ સ્કીમ સંદર્ભે કરદાતાઓને મૂંઝવતા મુદ્દાઓ પર પરામર્શ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. સેમિનારમાં કરદાતાઓના બાકી કર વિવાદો અને અરજી પ્રક્રિયા પર વન ટુ વન માર્ગદર્શન પણ મેળવ્યું હતું. વડોદરામાં કરદાતાઓની સેવાઓમાં સુધારો ફરિયાદોના નિવારણ માટે આવકવેરા અધિકારી અંજેશકુમારને સન્માનિત કર્યા હતા.