'સત્યને છુપાવવાનો પ્રયાસ થયો..', રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુઆંકને લઈને ધાનાણીના આક્ષેપ
Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે. અગાઉ જ્યાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે હવે રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે રાજ્ય સરકાર તેમજ સ્થાનિક તંત્રને ઘેર્યું છે.
સત્યને છુપાવવાનો પ્રયાસ થયો
રાજકોટમાં કાલાવાડ રોડ સ્થિત નાના મવા વિસ્તારમાં આવેલા TRP ગેમ ઝોનમાં શનિવારે સાંજે ભીષણ આગની ધટના બની હતી. આ ઘટનાને લઈને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ મૃત્યુઆંક અંગેની વિસંગતતાને લઈને સવાલો ઉઠાવતા સ્થાનિક તંત્રને ઘેર્યું છે. પરેશ ધાનાણીએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 'રાજકોટ અગ્નિકાંડ પર મારે સરકારનું ધ્યાન દોરવું છે. સત્તાવાર મૃત્યુઆંક 28એ અટકાવી દેવામાં આવ્યો છે અને સત્યને છુપાવવાનો પ્રયાસ થયો છે. અને બે દિવસમાં અંદાજિત 44 જેટલી ડેડબોડી અથવા તો તેના અવશેષો પ્રાપ્ત થયાનું સત્તાવાર કે બિન સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.'
ગુમ થયેલા લોકોના આંકડાઓમાં વિસંગતતા
ગુમ થયેલા લોકોની વાત કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે 'જે લાપતા થયેલા લોકોના આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેમા વિસંગતતાઓ છે. સિવિલ હોસ્પિટલમાં જેમણે પીએમ કર્યું એવા સિવિલ સર્જન, એમ્સના સત્તાધીકારીઓ કે ખાનગી હોસ્પિટલો દ્વારા એમની હોસ્પિટલમાં કેટલા મૃતદેહો આવ્યા કે તે પૈકી કેટલાના પીએમ કરવામાં, કેટલાના સાયન્ટિફિક રિસર્ચ માટેના નમૂના લેવામાં આવ્યા તેમના આંકડા આજસુધી પ્રસિદ્ધ કરવામાં આવ્યા નથી.'
ત્રણેય વિભાગ સંતાકૂકડી રમી રહ્યા છે
આ ઉપરાંત કોંગ્રેસ ઉમેદવારે વધુમાં જણાવ્યું હતું કે 'જ્યારે આ અંગેના સવાલો ઉઠાવવામાં આવે છે ત્યારે સિવિલ હોસ્પિટલના સર્જન પોલીસ કમિશ્નર અને ક્લેકટર પાસે મોકલે છે, ક્લેક્ટર પોલીસ કમિશનર અને પોલીસ કમિશનર સિવિલ સર્જન પાસે મોકલે છે ત્યારે મને લાગે છે કે આ ત્રણેય વિભાગ એકબિજા વચ્ચે સત્યને છુપાવવા માટે સંતાકૂકડી રમી રહ્યા છે. ગુમ થયેલા લોકોના આંકડા જે સત્તાવાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા તેમા પોલીસ વિભાગ દ્વારા 28 જ્યારે ક્લેકટર વિભાગ દ્વારા 33 લોકો ગુમ થયેલા નોંધાવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગુનો કર્યો છે તે તમામને ખુલ્લા પાડવા જોઈએ
પરેશ ધાનાણીએ છેલ્લે કહ્યું હતું કે 'આ મોતના તાંડવા માટે મોકળુ મેદાન આપનારા તમામ લોકોનું એફઆરઆઈમાં નામ નોધાવું જોઈએ તેમજ જેલમાં ધકેલી દેવા જોઈએ, ન્યાયના કઠઘરામાં અદપ વાડીને ઉભા રહેવા જોઈએ અને જે કોઈએ ગુનો કર્યો છે એ તમામ લોકોને ખુલ્લા પાડવા જોઈએ, પણ કમનસીબે સરકારે માછલા મારીને સંતોષ વ્યક્ત કર્યો છે. મોટા માથાઓની માત્ર બદલી કરીને લોકોને ગુસ્સાને શાંત પાડવાની કોશિશ કરી છે. પણ આ બદલી પ્રયાપ્ત પગલા નથી.'
આ પણ વાંચો : ધાનાણીના દાવાથી હડકંપ, કહ્યું - 'લોકમુખેથી સાંભળ્યું છે...તો ઘટના ટળી હોત