1000 કરોડના ફ્રોડનો કેસ છે...વડોદરાની સિનિયર સિટિઝન મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી 60 લાખ પડાવ્યા
વડોદરાઃ વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી એક સિનિયર સિટિઝન મહિલાને ડિજિટલ એરેસ્ટના નામે ત્રણ દિવસ સુધી ભયમાં રાખી રૃ.૬૦.૩૫ લાખ ટ્રાન્સફર કરી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો બનતાં સાયબર સેલે ગુનો નોંધ્યો છે.
ઓનલાઇન ઠગોએ હવે ડિજિટલ એરેસ્ટના નામે લોકોને બાનમાં લઇને રૃપિયા પડાવવાની પધ્ધતિ અપનાવી છે.જે અંગેના વડોદરામાં પણ ટૂંકાગાળામાં ત્રણ બનાવ બન્યા છે.આ પ્રકારના વધુ એક બનાવમાં માંજલપુર ખાતે બ્રાઇટ સ્કૂલ નજીક રહેતા નિલાબેન ઠક્કર નામના સિનિયર સિટિઝન મહિલા ભોગ બન્યા છે.
મહિલાએ કહ્યું છે કે,ગઇ તા.૨૨મીએ સવારે મને મોબાઇલ પર રોહન શર્માના નામે ફોન આવ્યો હતો અને રવિશંકરના ૯૦૦ થી ૧૦૦૦ કરોડના ફ્રોડ કેસમાં તમારા એકાઉન્ટમાં રૃ.૭ કરોડ ઉપાડવામાં આવ્યા છે તેમ કહી ડિજિટલ એરેસ્ટ કરવાની વાત કરી મને બચાવવા માટે તમામ પુરાવા માંગ્યા હતા.ઠગે ઇડીના ડિરેક્ટર વિક્રમસિંહ રાજપૂત સાથે પણ વાત કરાવી હતી અને વિક્રમસિંહે પ્રોસિક્યુટર નિરજકુમાર સાથે વાતકરાવી કોન્ફિડેન્સિયલ એગ્રીમેન્ટ કર્યો હતો.
મહિલાએ કહ્યું છે કે,બીજા દિવસે મારા બેન્ક એકાઉન્ટની તેમજ એફડી માહિતી માંગવામાં આવી હતી અને બચાવવા માટે પુરતી રકમ ડિપોઝીટ કરવી પડશે તેમ કહેતાં હું યુનિયન બેન્ક અને એસબીઆઇમાં ગઇ હતી અને જુદીજુદી વખતે કુલ રૃ.૬૦.૩૫ લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કર્યા હતા.ત્યાર પછી પણ મને પેનલ્ટી સાથેની રકમ પરત નહિ મળતાં તેમજ વધુ રકમની માંગણી ચાલુ રહેતાં શંકા પડી હતી અને સાયબર સેલને જાણ કરી હતી.
બેન્કમાં જઇ 30 લાખની ત્રણ એફડી તોડાવી 27 લાખ ટ્રાન્સફર કર્યા
મહિલાનો પુત્ર મુંબઇમાં આઇટી કંપનીમાં કામ કરતો હોવા છતાં ઠગોએ મહિલા પાસે આસાનીથી રૃપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.
મહિલા પાસે ઠગોએ એફડીની માહિતી માંગતા તેણે યુનિયન બેન્કમાં ત્રણ એફડી હોવાનું કહ્યું હતું.જેથી મહિલાને બેન્કમાં જઇ રકમ ટ્રાન્સફર કરવા કહેતાં તેણે એફડી તોડાવી રૃ.૨૭ લાખ ટ્રાન્સફર કર્યા હતા.
ઠગોએ દરેક ટ્રાન્ઝેક્શનના પુરાવા માંગ્યા હતા.જેથી મહિલા આરટીજીએસ કર્યા બાદ તેના સ્ક્રીન શોર્ટ અને ચેકનો ફોટો વોટ્સએપ કરતી હતી.જેની સામે મહિલાને અવિશ્વાસ ના થાય તે માટે ઠગો ફંડ સર્ટિફિકેટ આપતા હતા.
ઠગોએ કહ્યું, દર કલાકે એવરીથિન્ક ઇઝ ઓકે ના મેસેજ કરવા પડશે
મહિલાએ પોલીસને કહ્યું છે કે,ઠગોએ મને કેસમાંથી બચાવી લેવાના નામે કેટલીક સૂચનાઓનો અમલ કરવા કહ્યું હતું.
ઠગ ટોળકીએ મને દર કલાકે એવરીથિન્ક ઇઝ ઓકે..નો મેસેજ કરવા માટે કહ્યું હતું.શરૃઆતમાં મેં તેમને સામેથી વીડિયો કોલ કર્યો હતો.પરંતુ સામે સ્ક્રીન બંધ રાખીને વાત કરતા હતા.
ઠગોએ એમ પણ કહ્યું હતું કે,સવારે ઉઠીને પહેલો મેસેજ કરવો પડશે.જો તમારે એરેસ્ટ ના થવું હોય તો અમારે ફંડ ચેકિંગ કરવું પડશે.જેથી મેં હા પાડી હતી.
તા.23મીએ 1.80 લાખ,24મીએ 31.55 લાખ ,25મીએ 27 લાખ ટ્રાન્સફર કર્યા
મહિલાને કાયદાને માન આપતી જોઇને ઠગોએ તેનો લાભ ઉઠાવી લીધો હતો અને ત્રણ દિવસમાં જ રૃ.૬૦.૩૫ લાખ ટ્રાન્સફર કરીલીધા હતા.જેમાં તા.૨૩મી ઓક્ટોબરે રૃ.૧.૮૦ લાખ,તા.૨૪મી ઓક્ટોબરે યુનિયન બેન્કમાંથી ૨૬ લાખ અને એસબીઆઇમાંથી રૃ.૫.૫૫ લાખ તેમજ તા.૨૫ મી એ યુનિયન બેન્કમાંથી રૃ.૨૭ લાખ ટ્રાન્સફર કર્યા હતા.
ડિજિટલ એરેસ્ટનું વોરંટ બતાવતાં મહિલાને વિશ્વાસ બેઠો
ઠગોથી બચવા માટે સિનિયર સિટિઝન મહિલાએ ઘણી દલીલો કરી હતી.પરંતુ તેમ છતાં ઠગો ફાવ્યા હતા.મહિલાએ તેનું મુંબઇમાં કોઇ એકાઉન્ટ નહિ હોવાનું,કોઇ ટ્રાન્ઝેક્શન નહિ કર્યાની,આધાર કાર્ડ પણ કોઇને આપ્યું નથી..રવિશંકરને જાણતી જ નથી જેવી અનેક દલીલ કરી હતી.પરંતુ ઠગોએ ડિજિટલ એરેસ્ટનું વોરંટ બતાવતાં તે કાયદાકીય રીતે કેસમાં મદદરૃપ થવા તૈયાર થઇ હતી.