તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું..!! વડોદરાના સીનીયર સીટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી 90.90 લાખ પડાવી લીધા
Vadodara Digital Arrest : વડોદરાના કારેલીબાગ વીઆઈપી રોડ પર બ્રાઇટ સ્કૂલની પાછળ આદિનાથ સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન ભુપેન્દ્રભાઈ અંબાલાલ સાહેબે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 8 મી ઓક્ટોબરે હું મારા ઘરે હતો ત્યારે મને એક વ્યક્તિએ કોલ કરીને કહ્યું હતું કે, ડીએચએલ કુરિયરમાંથી બોલીએ છીએ અને તમારા નામે એક પાર્સલ ચાઇના જાય છે. તેમાં રૂમાલ, લેપટોપ, પાંચ પાસ પોર્ટ અને ડ્રગ્સ મળી આવેલ છે. જેથી મેં તેઓને કહ્યું હતું કે આ પાર્સલ મારું નથી. ફોન કરનાર વ્યક્તિએ મને કહ્યું હતું કે આ પાર્સલ બાબતે મહારાષ્ટ્ર પોલીસનો ફોન આવશે અને ત્યારબાદ મને કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ આપતા કહ્યું હતું કે હું રાજેન્દ્ર પ્રધાન મુંબઈ પોલીસથી બોલું છું તેઓએ મને બીજો ફોન આવશે એવું પણ કહ્યું હતું. થોડી વાર પછી મારા મોબાઈલ પર વોટ્સએપ કોલ આવ્યો હતો અને ફોન કરનાર વ્યક્તિએ તેની ઓળખાણ અભિષેક સીબીઆઇમાંથી બોલતા હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ વોટ્સએપમાં વિડીયો કોલ કર્યો હતો અને તેઓના કેમેરો બંધ રાખ્યો હતો અને પાર્સલ વિશે પૂછતા મને કહ્યું હતું કે નરેશ ગોએલના કેસમાં તેમના ઘરે રેડ કરી હતી ત્યારે તમારા ડોક્યુમેન્ટ્સ અને એગ્રીમેન્ટ મળી આવ્યું છે. જેમાં લખ્યું છે કે તમે 20 લાખ રૂપિયા લઈ કેનેરા બેન્કમાં તમારું ખાતું ઓપરેટ કરવા માટે તેઓને છૂટ આપી છે. તે એકાઉન્ટમાં બે કરોડનું ટ્રાન્જેક્શન થઈ ગયું છે અને તમને કમિશન પેટે 10% લેખે 20 લાખ રૂપિયા નરેશ ગોએલે આપ્યા છે.
મેં તેઓને કહ્યું કે હું ક્યારે મહારાષ્ટ્ર આવ્યો નથી અને પાર્સલ વિશે મને કંઈ ખબર નથી. તેઓએ કહ્યું હતું કે આ બાબતે તમારે સાબિત કરવાનું રહેશે તે માટે તમારા બેંક ખાતુ, શેર વગેરે ફાઇનાન્સિયલ વિગતો આપવાની રહેશે અને જ્યાં સુધી તપાસ ચાલુ રહે ત્યાં સુધી તમારા બેન્ક એકાઉન્ટ શેર વગેરે તમામ ફાઇનાન્સિયલ રકમ અમને આપવાની રહેશે. તેઓની વાતોથી ડરીને મેં મારા પત્નીને એકાઉન્ટમાંથી 90.90 લાખ ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારબાદ તેને કહ્યું હતું કે તમારું તમામ ક્લિયર થઈ ગયું છે. બે દિવસમાં પૈસા પરત કરવા માટે અમે વડોદરા આવીશું. ત્યારબાદ 17મી નવેમ્બરે મને કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે અંકિતા અને અભિષેક તમારા ઘરે આવતા હતા તેઓનું રસ્તામાં એકસીડન્ટ થયું છે આ વાત માત્ર તમને ખબર હતી જેથી તમે જાતે એકસીડન્ટ કરાવેલ છે. તેમ કહી મારા પર ગુનો દાખલ કરવાને ધમકી આપી બીજા 20 લાખની માંગણી કરી હતી. મેં મારા ભાઈ હિરેનને આ બાબતે જાણ કરતા મને અરજી કરવા કહ્યું હતું. મારી પાસેથી લીધેલા રૂપિયા હજી સુધી તરત આપ્યા નથી.