કાર ચાલકે ટક્કર મારતા સિનિયર સિટિઝનનું મોત
સિનિયર સિટિઝન ઇલેક્ટ્રિક મોપેડ લઇને નાના પુત્રના ઘરે જતા હતા
વડોદરા,વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર આજે સવારે એક કાર ચાલકે ટક્કર મારતા ઇલેક્ટ્રિક મોપેડ લઇને જતા સિનિયર સિટિઝનનું ઘટના સ્થળે જ કરૃણ મોત થયું હતું.
વાઘોડિયા ડભોઇ રીંગ રોડ સુખધામ રેસિડેન્સીમાં રહેતા ૮૧ વર્ષના વિષ્ણુપ્રસાદ ચુનીલાલ રાવલ આજે સવારે સવા અગિયાર વાગ્યે ઘરેથી ઇલેક્ટ્રિક મોપેડ લઇને નાના પુત્ર કલ્પેશ રાવલ (રહે. સ્વામિ નારાયણ ડૂપ્લેક્સ, આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે, પાણીગેટ) ના ઘરે જવા માટે નીકળ્યા હતા. વાઘોડિયા ડભોઇ રીંગ રોડ એસ.એસ.વી. સ્કૂલ સામેથી પસાર થતા હતા. તે સમયે એક કાર ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇને ડિવાઇડર સાથે અથડાયા હતા. તેઓને માથામાં ગંભીર ઇજા થતા તેઓનું સ્થળ પર જ કરૃણ મોત થયું હતું. કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.